સતત દોઢેક માસ સુધી ઠંડીની જમાવટને પગલે ચાલુ વર્ષે ઘઉંનું વિક્રમી ઉત્પાદન આશા છે. જિલ્લામાં ઘઉંનું કુલ ૨૫૮૬૧ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ પ્રતિ હેક્ટર દીઠ ૧૮૦ થી ૨૦૦ મણ ઉત્પાદન થઇ શકે છે. આથી ચાલુ વર્ષે જિલ્લામાં ઘઉંનું વિક્રમી ૯૦.૪૬ હજાર મેટ્રીક ટન ઉત્પાદન થવાની શક્યતા છે.
દોઢેક માસથી વધારે સમય ઠંડીથી ઘઉંનું વાવેતર કરનાર ખેડુતોને ચાલુ વર્ષે ચાંદી જ ચાંદી રહેવાની શક્યતા રહેલી છે. જોકે નબળા ચોમાસાની સરખામણીએ ખેડુતોની ધારણા કરતા ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડતા શિયાળું પાકનું વાવેતર કરનાર ખેડુતોના ચહેરા ઉપર ખુશીની સુનામી સ્પષ્ટ જોવા મળતી હતી.
ચાલુ વર્ષે શિયાળુ પાકમાં જિલ્લામાં ઘઉંનું ૨૫૮૬૧ હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે. ઘઉંનું વાવેતર કર્યા બાદ જ્યારે ઘઉં કુંપણ ફુટે ત્યારથી સતત ઠંડી પડે તો તેનાથી ઘઉંની ટીલીરંગ વધારે નિકળે છે. આથી એક ટીલરીંગ ઉપર ઘઉંની ડુંડી થાય છે. આથી વધારે ટીલીરંગ થવાથી વધારે ડુંડી બેસે જેનાથી ઘઉંના ઉત્પાદનમાં પણ વધારો થાય તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી.જાદવે જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં ચાલુ વર્ષે કરાયેલા વાવેતરની વિગતો જોઈએ તો ગાંધીનગર તાલુકામાં ૫૩૪૮ હેક્ટર જમીનમાં વાવેતરથી કુલ ૧૮૭૦૭૩૦૪ કિલો ઘઉંના ઉત્પાદનની સંભાવના છે, જ્યારે દહેગામ તાલુકામાં ૬૫૫૭ હેક્ટર જમીનમાં વાવેતરથી કુલ ૨૨૯૩૬૩૮૬ કિલો ઘઉંના ઉત્પાદન થાય તેવી વકી છે.
કલોલમાં ૮૧૫૦ હેક્ટર માં વાવેતરથી કુલ ૨૮૫૦૮૭૦૦ કિલો ઘઉંના ઉત્પાદન તથા માણસા તાલુકામાં ૫૮૦૬ હેક્ટર જમીનમાં વાવેતરથી કુલ ૨૦૩૦૯૩૮૮ કિલો ઘઉંના ઉત્પાદનની સંભાવના છે. સતત ઠંડીથી ઘઉંનો દાણો વધારે હાર્ડ થાય છે ઠંડી પડવાથી ઘઉંનો છોડ તો વિકસીત થાય છે. ઉપરાંત સતત ઠંડીને પગલે ઘઉંનો દાણો વધારે હાર્ડ અને ભરાવદાર થતા બજારમાં ઘઉંનો ઉંચો ભાવ મળતો હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ છે.