ફીલ ગુડ ફેકટર બાદ વિકાસ ગાંડો સોશીયલ મિડિયાની નરી વાસ્તવિકતા
ભાજપ માટે આ અગાઉ વાજપેયીની ચૂંટણીમાં ફીલ ગુડ ફેકટર દ્વારા એક હવા વાતાવરણ ઉભુ કરી ચૂંટણીઓમાં જીતવાનો પ્રયાસ થયો હતો અને બધાને લાગતું હતું કે ભાજપનું દેશમાં શાસન આવશે. પરંતુ મિડિયાના ફિલ ગુડ ફેકટરના નારા બાદમાં પરિણામો વિપરીત આવ્યા હતા. આ પરિસ્થિતિમાંથી શીખ્યા બાદ ભાજપે બહુ સાવધાનીથી પ્રચાર-પ્રસાર અને કાળજી લીધી હતી પરંતુ એમ કરતાં સમયગાળો મોટો થયો અને પરિણામો લોકો સુધી પહોંચાડવાનો સમય આવે તે પહેલાં સોશીયલ મિડિામાં વિકાસ ગાંડો થયો નો મારો એટલો વધારે ચાલ્યો કે ખૂદ ભાજપના સીએમ એ આનું ઠીકરું કોંગ્રેસ પર ફોડવાનો પ્રયાસ કરવો પડયો છે. યુવાનોમાં પ્રચાર-હાઈટેક પ્રચાર કરવામાં માહિર ભાજપને આ વખતે તેજ સોશીયલ મિડિયામાં નેગેટીવ પબ્લિકસીટીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને આ મારો એટલો મોટા પ્રમાણમાં છે કે આજે દરેકના મોઢે વિકાસ અને તેને લગતી કોમેન્ટો ચડી ગઈ છે. જેની નકારાત્મક અસરો ચૂંટણીમાં થાય તો ભાજપને ફરી પાછો ફીલ ગુડ ફેકટર જેવો અનુભવ કરવો પડે તેમ છે. અમુક માધ્યમોને મેસેજ કરી શકાય પરંતુ આ સોશીયલ મિડિયાને મેસેજ કરવું મુશ્કેલ જ નહી નામુમકીન છે અને ભલભલાને પરસેવો વળી જાય તેમ છે અને વાસ્તવિકતા એ જ છે. કડવી હોય તો પણ કયારેક તો વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે જ તે ન ભુલવું જોઈએ.
હાર્દિકને મોટો નેતા કરવાનું બીડું પોલીસે ઝડપ્યું છે ભાજપને ફાયદો તેનો જ છે
ગાંધીજી હોય કે કોઈપણ નેતા તેને મોટા થવાના માર્ગમાં જેલ જરૂર આવે છે. લોકોની સામે ખરા ખોટા પ્રશ્નો આવે તેની ચર્ચા થાય અને તેમાંથી સામૂહિક અબોધ માનસમાં એક ચોકકસ હવા ઉભી થાય જેને કોઈપણ પ્રચારની જરૂર નથી હોતી. તેવુ જ મોટા નેતા બનવા પાછળનું રહસ્ય હોય છે તેની પબ્લિસીટી જાહેર જનતામાં થાય અને તેના વિશે મત બને.
આજે વિષય અનામત કે હાર્દિકની માંગણીઓની વાત બાજુ પર રાખીએ તો પણ તેને છાસવારે સામાજિક – ગુનાના કારણે, રાષ્ટ્રના કારણે કે અન્ય કારણોસર જેલમા જેટલી વાર જવાનું થાય તેટલો હાર્દિક મોટો નેતા બનતો જશે. એક ચર્ચા મુજબ હાર્દિક અત્યારે એટલો તો ફેમસ થઈ ગયો છે કે પાટિદાર પ્રભુત્વ નેતા વાળા વિસ્તારમાં મુખ્યમંત્રીની સામે ચૂંટણીમાં ઉભો રહી જાય તો તેને પણ પરસેવો વળી જાય. વળી પોલીસ સામાન્ય રીતે આવા ગુનાઓમાં એફઆરઆઈ ફાડવા કે નોંધવાની પણ તસ્દી લેતી નથી. સામાન્ય રીતે બધાં પોલીસ સ્ટેશનોમાં તેવા કેસોમાં હાર્દિકને જેલ સુધી કોર્ટ સુધી ન્યાયાધીસ સુધી લઈ જવાની કોની સૂચના મુજબ થતુ હશે ? ખેર જેની સુચના હોય ચાહે પોલીસ કે ભાજપ પરંતુ હાર્દિકને આ બધી પ્રક્રિયાને અંતે મોટાને મોટા નેતા થવાનું ફળ જરૂર મળતું જાય છે. ને લાગે છે કે હાર્દિકને મોટો નેતા કરવાનું કોઈએ નકકી જ કરી નાખ્યું છે!!
મનપામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થાય તો કેટલાય નેતાના પગ નીચેથી ધરતી સરી જાય
મનપાની રચના થઈ ત્યારથી કોંગ્રેસમાંથી તોડેલા સભ્યને મેયર બનાવવાથી ભાજપનું શાસન ચાલતુ આવે છે. ભાજપને પોતાનો મેયર હજી સુધી મળ્યો નથી. વળી નવી મનપાને મારણે શરૂઆતમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને નૈતિકતા અને કોઈ ધોરણો વગર મનફાવે તેમ પ્રજાના પૈસાનું શાસન પોતાના ઘરમાં લક્ષ્મી ભરવા કરવામાં આવ્યું છે. જેની તપાસ થાય તો હાલના કહેવાતા નેતાઓના પગ તળેથી ધરતી સરી જશે અને જયાં આ નેતાઓ જાય છે ત્યાં ત્યાં ભ્રષ્ટાચારી રીતરસમ ચાલુ રાખે છે. જેથી આવા નેતાઓને ઓળખીને ભાજપે પોતાની ભ્રષ્ટાચાર રહિત પારદર્શક શાખા જાળવવી જોઈએ. પ્રજાના ટ્રસ્ટી તરીકે વહીવટ કરવા મળે ત્યારે જવાબદારી અનેક ઘણી વધી જાય છે. તેવા સંજોગોમાં કરેલો ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. ઉચ્ચ સત્તાધીશોએ પોતાનો ચેક પોઈન્ટ રાખવા જરૂરી બને છે. લાખો કરોડો રૂપિયા વચ્ચેથી સેરવી લીધા બાદ સહન તો પ્રજાએ કરવાનું આવે છે. આજે સ્વચ્છતાનો ડોર ટુ ડોર પ્રોજેકટ બંધ પડી ગયો છે. કરોડોનો કોન્ટ્રાકટ ફેઈલ – સ્ટ્રીટ લાઈટના ૪૦૦૦ જેટલા થાંભલા પર એલઈડી અને થાંભલા આજે શોધ્યા જડતા નથી કંપની કોણ ? કયાં ? શું શરતો બધુ હવા થઈ ગયુ છે અને લાખો રૂપિયા ચાંઉ !! રમકડા- ૭૦ હજારનું સેટ આજે નગરમાં કયાંય જોવા મળતા નથી આવા તો અનેક લીસ્ટ છે. જેમાં નર્યો ભ્રષ્ટાચાર જ થયો છે !! તપાસની જરૂર છે જ…
ચૂંટણીઓમાં ત્રીજો મોરચોએ હાર-જીતના સમીકરણો સેટ કરવા માટે જ !!
ચૂંટણી ટાણે રાષ્ટ્રભક્તિ, ગુજરાત પ્રેમ, પ્રજાના પ્રશ્નો, જેવા અનેક મુદ્દા બાદ આવી જતાં કેટલાક લોકો ત્રીજો મોરચો બતાવી જે તે પક્ષના ઉમેદવારોને હાર કે જીતના સમીકરણો સેટ કરતા હોય છે. તેમાં થતાં નાણાં કયાંથી આવે છે. તેની તપાસ થાય તો જ ખબર પડે કે એની પાછળ શું રંધાય છે. હાલમાં જન વિકલ્પ હોય કે સામાજીક એકતા મંચ કે કોઈ પ્રબુધ્ધ નાગરિકોના નાતે ત્રીજો મોરચો હોય બધાને ખબર હોય છે કે પોતાને કંઈ જીત મળે તેમ નથી પરંતુ સામેના અને પોતાના હિતેચ્છુને ફાયદામાં રહી ચૂંટણીની શતરંજ ગોઠવવી જેથી યોગ્ય ઉમેદવારનો પક્ષ નકકી કરી શકાય. ચૂંટણીપંચ હોય કે ગમે તે પણ લોકશાહીમાં હવે રાજકારણે બધા મૂલ્યો નેવે મુકયા છે. મૂલ્યો માત્ર સામેના પક્ષને ભાંડવા માટે ભણકારોમાં જ જોવા મળે છે. ક્રીમીનલ ઉમેદવારોને ટીકીટ નહી આપવાનું કોણ માને છે ? આમ રાજકારણનું સ્તર નીચુ ગયું છે. કારણ રાજકારણ હવે ફકત સત્તા અને લક્ષ્મી -ધન-કેન્દ્રી બન્યું છે. વળી ઉદ્યોગપતિઓનું પરોક્ષ સંચાલન પણ મોટા નાણાંના સ્ત્રોતરૂપે ચૂંટણીઓમાં જોવા મળ્યા વગર રહેતા નથી. અંતરાત્માના અવાસ અને પ્રજાના કામો જેવા સુવાળા સારા શબ્દો વાપરી કેટલાક તત્વો લક્ષ્મીની ખનકથી પીગળી જતા રાજકારણમાં જોવા મળે છે. હવે પૈસા એ આવા ત્રીજા મોરચાના માટે કે ચૂંટણી માટે અતિ મહત્વના બની ગયા છે. પરંતુ આથી રપ થી ૩૦ બેંકો પર આવા સમીકરણો પર પણ અસર કરી જાય છે. તે આપણી લોકશાહીની અપરીપકવતા જ છે.