દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન(ડીડીસીએ)એ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરને સન્માનિત કરવાનો કાર્યક્રમ રદ કર્યો છે. ડીડીસીએએ આ નિર્ણય પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને લીધો છે. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. ડીડીસીએ એ ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પાંચમી વન-ડે પહેલાં દિલ્હીના આ ત્રણેય ખેલાડીઓને સન્માનિત કરવાનું નક્કી કર્યું હતું.
ડીડીસીએનો આ નિર્ણય બીસીસીઆઈને પણ પ્રેરણા આપી ગયો છે. આગામી સમયમાં યોજાનારી આઈપીએલમાં હવે બીબીસીઆઈ દ્વારા ઓપનિંગ સેરેમની નહીં યોજાય. આ કાર્યક્રમ પાછળ થનારા ખર્ચને બોર્ડ દ્વારા હવે શહીદોના પરિવારજનોના કલ્યાણ બોર્ડમાં જમા કરવાનો નિર્ણય લીધો છે.
ડીડીસીએનાં અધ્યક્ષ રજત શર્માએ કહ્યું કે, ’અમે સેહવાગ, ગંભીર અને કોહલીને સન્માનિત કરવાનું નક્કી કર્યું હતું.’
હવે તે નિર્ણયને બદલી નાંખ્યો છે. કેમકે બીસીસીઆઈ પણ આઈપીએલનો ઉદઘાટન સમારોહ નથી કરવાની. તેમણે વધુમાં જણાવ્યું કે, દિલ્હી પોલીસ દ્વારા શહીદ રાહત ફંડમાં ૧૦ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં ૯૦ ટકા ટિકીટનું વેચાણ પણ થઈ ચૂક્યું છે. ડીડીસીએ એ આ મેચમાં રાજ્યનાં પૂર્વ આંતરરાષ્ટ્રિય ખેલાડીઓને આઈપીએલનાં વીઆઈપી પાસ આપવાનું નક્કી કર્યું છે.