વરિષ્ઠ કૉંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે મોદી બીજી વાર વડા પ્રધાન નહીં બની શકે કારણ કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેમણે આપેલા વચન પાળવામાં તેઓ નિષ્ફળ ગયા છે અને ઉઘાડા પડી ગયા છે. ૨૦૧૪માં કૉંગ્રેસના ગાભા નીકળી ગયા હતા, પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ સારો દેખાવ કરશે એવો તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
મોદીએ ૨૦૧૪ની ચૂંટણીમાં આપેલાં વચનોનું પાલન કર્યું નથી અને આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ વડા પ્રધાન નહીં બની શકે, એમ ૭૨ વર્ષીય રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહે જણાવ્યું હતું. દિગ્વિજય સિંહે ચૂંટણી પંચને અપીલ કરીને જણાવ્યું હતું કે ચૂંટણીનો સમય અને રમજાનનો સમય એક સાથે હોવાથી મુસ્લિમ ભાઇબહેનોને મતદાનમાં સમસ્યા આવતી હોવાથી કેટલાક મુસ્લિમ નેતાઓએ લોકસભાની ચૂંટણીના શેડ્યુલને બદલવાની માગણી કરી છે. રમજાન સાથે લોકસભાની ચૂંટણીનું શેડ્યુલ હોવાથી કેટલાક મુસ્લિમોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, એ અંગેના એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીનાં પરિણામો ૨૬ મે પહેલાં જાહેર કરવા પડે એ બંધારણીય જરૂરિયાત છે. તેમ છતાં પણ હું ચૂંટણી પંચને અપીલ કરું છું કે મતદાનના સમયમાં યોગ્ય ફેરફાર કરે જેથી મુસ્લિમો મતદાન કરી શકે.