શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ હાલમાં જામી ગયો છે. ફાઈનાન્સિયલ અને એનર્જી કાઉન્ટરો ઉપર જોરદાર તેજી અને લેવાલી વચ્ચે શેરબજારમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળી રહ્યો છે. સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જુદા જુદા સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાપસીની આશા વચ્ચે શેરબજારમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. સોમવારના દિવસે છ મહિનાની ઉંચી સપાટી રહ્યા બાદ આજે ફરીવાર આવી જ સ્થિતિ રહી હતી. બોંબે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના ૩૧ શેર સેંસેક્સ ૭૮૨ પોઇન્ટ ઉછળીને ૩૭૫૩૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ શેર નિફ્ટી ૧૩૩ પોઇન્ટ ઉછળીને ૧૧૩૦૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બજારમાં તેજીની સ્થિતિ એ રહી હતી કે, સવારે ૯.૨૫ વાગે સેંસેક્સના ૩૦ શેરોમાં લેવાલી જામી હતી અને માત્ર એક શેરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીના ૪૬ શેરમાં તેજી અને ચાર શેરમાં મંદી રહી હતી. શેરબજારમાં તેજી માટે અનેક કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સ અને નિફ્ટી પ્રાઇવેટ બેંક ઓલટાઇમ હાઈસપાટીએ ઇન્ટ્રા ડે દરમિયાન રહ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ડસબેંકમાં સૌથી વધુ નફો જોવા મળ્યો હતો. આ ઇન્ડેક્સ ક્રમશઃ ૨૮૪૪૩ અને ૧૬૨૫૮ની સપાટીએ રહ્યા હતા. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સ ૯૮ પોઇન્ટ ઉછળીને ૧૫૧૯૩ની સપાટીએ રહ્યા તા જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૫૮ પોઇન્ટ ઉછળી ૧૪૯૨૧ની સપાટીએ રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં અગાઉના બંધ આંકની સરખામણીમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. બે સેશનમાં ૧૫ ટકાનો ઉછાળો તેમાં થઇ ચુક્યો છે. મૂડી રોકાણકારો દ્વારા વ્યાપક લેવાલી વચ્ચે સેંસેક્સે આ સપાટી મેળવી હતી. રવિવારના દિવસે ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ એનડીએ સરકારની આશા ઉજળી દેખાયા બાદ મૂડીરોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા છે. છ મહિનામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૬૦૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૭૨ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જાણકાર લોકોના કહેવા મુજબ આગામી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની વાપસીના સંકેત હવે દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજારમાં તેની અસર રહી શકે છે. ચૂંટણી પહેલાના ઘટનાક્રમની અસર પણ રહી શકે છે.અત્રે નોંધનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ પાંચ કારોબારી સેશનમાં મૂડી માર્કેટમાં ૨૭૪૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આના માટે જવાબદાર છે. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સાથે સાથે ૧૦૦૬૮૦.૧૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ રીતે ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં રોકાણનો આંકડો ૧૭૨૧૯.૬૨ કરોડ રહ્યો હતો. શેરબજારમાં ગઇકાલે જોરદાર તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ ઉછળને ૩૭૦૫૪ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૭૦૦૦ની સપાટી હાંસલ કરી હતી.