વરાછા-હીરા બાગ બ્રિજ પર ચાલુ કારમાં અચાનક આગ લાગી જતા ચાલક સહિત અન્ય મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સોમવારની રાત્રે બ્રિજ પર સળગતી કારને દોડતી જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે, આગની જાણ થતાં જ ચાલકે કાર બ્રિજ ઉપર જ રોડ બાજુએ ઉભી કરી તમામને હેમખેમ બહાર કાઢી બર્નિંગ કારની આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યારબાદ તાત્કાલિક ફાયરના જવાનો દોડી આવતા કારના બોનેટમાં લાગેલી આગને કાબુમાં લેવાતા તમામે રાહતનો દમ લીધો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, રાત્રે લગભગ ૧૦ઃ૧૫ મિનિટની ઘટના હતી. એસન્ટ કારમાં આગ લાગી હોવાના કોલ બાદ ફાયરના જવાનો દોડી ગયા હતા. કારના બોનેટમાં લાગેલી આગને ગણતરીની મિનિટોમાં કાબુમાં લેવાઈ ગઈ હતી. તપાસ બાદ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. કાર માલિક ભાવેશભાઈ નાગજીભાઈ મેઘાણી હોવાનું અને કાર નંબર જીજે૫એફ ૭૪૯૨ હોવાનું બહાર આવ્યું હતું.