ડિપ્રેશનમાં આવી ધોરણ-૧૦ના વિદ્યાર્થીએ આપઘાત કરતા ખળભળાટ

581

વડોદરા શહેર નજીક આવેલા કપુરાઇ ગામમાં ધો-૧૦ના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાના ડિપ્રેશનથી કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષાના ડિપ્રેશનને કારણે વડોદરામાં માત્ર ૪ દિવસમાં ૩ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. બોર્ડ પરીક્ષા શરૂ થયા બાદ ૮ માર્ચના રોજ ધો-૧૨ સાયન્સના વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ૮ માર્ચે જ ધો-૧૨ની કોમર્સની એક્સ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપનાર યુવાને ગળે  ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

વડોદરા શહેર પાસે આવેલા કપુરાઇ ગામમાં આવેલા રામદેવ ફળીયામાં રહેતો ઓમકુમાર રણજીતભાઇ પરમાર(૧૮) ધો-૧૦ની બીજા ટ્રાયલની પરીક્ષા આપી રહ્યો હતો. સાંજે ૭ વાગે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા. તે સમયે ઓમકુમાર અચાનક જ ઘરની બહાર નીકળ્યો હતો. અને ઘરની નજીક જ આવેલા ૬૦થી ૭૦ ફૂટ ઊંડા કુવામાં તે કુદી ગયો હતો. આ સમયે કુવા પાસે બેઠેલા લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો. જેથી ગામ લોકોએ તુરંત જ ફાયરબ્રિગડ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં પરિવાજનો દોડી ગયા હતા. અને વરણામા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઓમકુમાર મંગળવારે ગણિતનું પેપર આપવાનો હતો. તેની પહેલા જ તેને આપઘાત કરી લીધો હતો. ઓમકુમારના પિતા રણજીતભાઇ પરમાર વડોદરા મહાનગરપાલિકાની ફાઇલેરિયા શાખામાં ફરજ બજાવે છે. જ્યારે તેનો મોટો ભાઇ પ્રકાશ પારૂલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.

Previous articleચાલુ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી
Next articleમોટાને બદલે નાનો ભાઇ આપી રહ્યો હતો ધો.૧૦ની પરીક્ષા, ફરિયાદ