ગુજરાતનાં કચ્છ જિલ્લામાં ૨ મહિનાનાં ખોદકામ બાદ પુરાતત્વવિદોને હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલું એક વિશાળ કબ્રસ્તાન મળ્યું છે. ધોળાવીરાથી લગભગ ૩૬૦ કિલોમીટર દૂર આ સ્થાન પર ૨૫૦થી વધારે કબરો છે જે લગભગ ૫ હજાર વર્ષ જુની છે. નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી એ સંભાવના મજબૂત બને છે કે એક સમયે અહીં માણસોની સારી એવી વસ્તી અહીં રહેતી હતી. કચ્છ જિલ્લાનાં લખપત તાલુકાનાં ખાટિયા ગામમાં આ ખોદકામ કચ્છ યૂનિવર્સિટી અને કેરલ યૂનિવર્સિટીએ મળીને કર્યું.
અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અહીં મળેલી ૨૫૦થી વધારે કબરો ૪,૬૦૦-૨૫૦૦ વર્ષ જુની છે. આ કબ્રસ્તાન ૩૦૦ મીટરઠ ૩૦૦ મટીર આકારનું છે. આમાંથી અત્યાર સુધી ૨૬ કબરોનું ખોદકામ થઇ ચુક્યું છે. આમાં સૌથી મોટી કબર ૬.૯ મીટરની છે, જ્યારે સૌથી નાની ૧.૨ મીટરની છે. પુરાતત્વવિદોને અહીંથી એક કબરમાંથી ૬ ફૂટ લાંબુ માનવ હાડપિંજર મળ્યું છે, જે લગભગ ૫ હજાર વર્ષ જુનુ છે.
કચ્છ યૂનિવર્સિટીનાં પુરાતત્વ વિભાગનાં પ્રમુખ સુરેશ ભંડારીએ જણાવ્યું કે, “આ હાડપિંજરને કેરલ યૂનિવર્સિટી લઇ જવામાં આવશે. અહીં તેની ઉંમર, લિંગ અને મૃત્યુનાં સંભિવત કારણે વિશે તપાસ કરવામાં આવશે.”
ગુજરાતમાં પહેલીવાર લંબચોરસ કબ્રસ્તાન મળી છે. આ પહેલા મળેલી કબરો ગોળાકાર અથવા અર્ધગોળાકાર હતી. આ કબરોમાં જાનવરોનાં અવશેષ મળ્યા છે. ખોદકામમાં છિપલાઓમાંથી બનેલી બંગડીઓ, પત્થરની ઘંટીઓ, પથ્થરની બ્લેડ પણ મળી હતી. કબરોમાંથી માટીનાં બનેલા વાસણો પણ મળ્યા છે. એક કબરમાં વધુમાં વધુ ૧૯ અને ઓછામાં ઓછા ૩ વાસણ રાખવામાં આવ્યા હતા.
પુરાતત્વવિદોનું કહેવું છે કે આવા વાસણો પાકિસ્તાનાં આમરી, નાલ અને કોટમાંથી મળી આવ્યા છે. ભારતમાં ઉત્તર ગુજરાતમાં નાગવાડા, છતરાદ સહેલી, મોટી પીપળી અને કચ્છમાં સુરકોટડા અને ધાનેતીમાંથી મળ્યા છે.