ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રહેતા પશુપાલકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. દૂધ, બટાકા બાદ હવે બનાસડેરી પશુપાલકો પાસેથી છાણ પણ ખરીદશે એવી જાહેરાત ડેરી દ્વારા કરવામાં આવી છે. ડિસા સહિત ૪ જગ્યાએ ગોબર ગેસ પ્લાન શરૂ કરવામાં આવશે. જેના પગલે છાણ જરૂરીયાત જણાતા ડેરી દ્વારા પશુપાલકો પાસેથી છાણની ખરીદી કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે છાણ ખરીદતા પશુપાલકોની આવકમાં ૨૦ ટકાનો વધારો થશે.
૩૨ કરોડના ખર્ચે ડેરી ચાર જગ્યાએ ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપશે. જે પ્લાનટથી આવતી આવતથી ત્રણ વર્ષમાં જ પ્લાન્ટનો ખર્ચ નીકળી જશે એવું સુત્રોનું કહેવું છે. તો બીજી તરફ બનાસકાંઠાના ૨૦ લાખ જેટલા પશુપાલકોને છાણ વેચી શકશે. જેનાથી તેમને સીધો ફાયદો થશે. બનાસડેરી પશુપાલકો પાસેથી ૫૦ પૈસા પ્રતિ કિલોના ભાવે લીલું છાણ ખરીદશે.
બનાસડેરી ૩૨ કરોડના ખર્ચે રતનપુરા (ભીલડી), દામા સિમેન સ્ટેશન (ડીસા) , થાવર (ધાનેરા) અને દાંતા ચિલીંગ સેન્ટર ખાતે ચાર ગોબર ગેસ પ્લાન્ટ ઉભા કરશે. જેનું ભૂમીપૂજન દામા સિમેન સ્ટેશન ડીસા ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે સોમવારે યોજાશે.
ઉલ્લેખનીય છે કે પ્લાન્ટની ડીઝાઈન એ પ્રમાણે કરવામાં આવી છે કે, એમાં બગડેલા બટાકાનો ઉપયોગ કરીને પણ ગેસનું ઉત્પાદન કરી શકાશે. ડીસા અને આજુબાજુમાં મોટી સંખ્યામાં બટાકાના કોલ્ડ સ્ટોર આવેલા છે અને જયારે કોલ્ડ સ્ટોરમાંથી સડેલા કે અખાદ્ય બટાકાનો ઉપયોગ પણ આ પ્લાન્ટમાં કરવાથી સામાન્ય રીતે ફેંકી દેવામાં આવતાં આ બટાકાનું મૂલ્ય પણ આ ગોબર ગેસ પલાન્ટથી ખેડૂતોને મળતું થશે.