સાંતલપુર તાલુકાના ગરાંમડી ગામ પાસે ટ્રેલરે આગળ જઈ રહેલા ટ્રેક્ટરને અડફેટે લીધું હતું. પલટી ગયેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા મજૂરી કરવા જઈ રહેલા એક જ પરિવારના લોકો પર ફરી વળ્યું હતું. તેમના મૃતદેહોથી રીતસરના રોડ પર લીરા પડી ગયા હતા. રોડ પર તેમના શરીરના અંગોના કૂર્ચેકૂર્ચા વિખેરાયા હતા. ગોઝારા અકસ્માતમાં ૫ના મોત થયા હતા.
સાંતલપુરના ગરાંમડી ગામ મજૂરી કરવા માટે શ્રમિકો જઈ રહ્યા હતા. તે દરમિયાન પીપરાળા ગામ બાજુથી પૂરઝડપે આવતા ટ્રેઈલરે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને પગલે ટ્રેકટર પલટી ગયું હતું. ટ્રોલીમાંથી નીચે પટકાયેલા મજૂરો પર ટ્રેઈલર ફરી વળતાં ઘટનાસ્થળે એક બાળક સહિત ૪ના મોત થયા હતા. તેમજ ૬ ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તે પૈકી વધુ એકનું મોત થયું હતું.
ટ્રેઈલરની ગોઝારી ટક્કરને પગલે ૪ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તેમજ ૬ જણ ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવારાર્થે પાટણ અને પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.
ગંભીર અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અકસ્માતને પગલે ઘાયલોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. લોકોએ ઘાયલોને બહાર કાઢવાની કામગીરી કરી હતી અને ૧૦૮ને ઘટનાસ્થળે બોલાવી હતી.