રાકેશ અસ્થાનાએ મને ધમકી આપી હતી કે મારું જીવન નર્ક બનાવી દેશે : ક્રિશ્ચિયન

569

અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં મધ્યસ્થી એવા ક્રિશ્ચન મિશેલે દિલ્હી કોર્ટને મંગળવારે જણાવ્યું કે, પૂર્વ સીબીઆઈ ડિરેક્ટર રાકેશ અસ્થાના તેમને દુબઈમાં મળ્યા હતા અને ધમકી આપી હતી કે તેઓ જેલમાં તેની જિંદગી નર્ક જેવી કરી નાખશે, જો તે કૌભાંડની તપાસમાં તેમને સાથ નહીં આપે.  ક્રિશ્ચન મિશેલે જણાવ્યું કે, “થોડા સમય પહેલા રાકેશ અસ્થાના મને દુબઈમાં મળ્યા હતા. મને ધમકી આપી હતી કે તારું જીવન હું નર્ક બનાવી દઈશ અને આજે એવું જ થઈ રહ્યું છે. મારી બાજુની કોઠડીમાં ગેંગસ્ટર છોટા રાજનને રાખવામાં આવેલો છે… હું એ સમજી શકતો નતી કે મેં એવો તો કયો ગુનો કર્યો છે કે મને એવા લોકોની સાથે રાખવામાં આવ્યો છે, જેમણે અસંખ્ય લોકોની હત્યા કરી છે.” મિશેલે કોર્ટરૂમમાં કોર્ટને જણાવ્યું કે, તેને જેલમાં ૧૬-૧૭ કાશ્મિરી અલગતાવાદીઓ સાથે રાખવામાં આવ્યો છે. મિશેલે ન્યાયાધિશ અરવિંદ કુમાર સામે જે નિવેદન આપ્યું છે તેના અંગે કોર્ટે દિલ્હીની તિહાર જેલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તપાસ કરવા જણાવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, એજન્સી બુધવારે અને ગુરુવારે તેમની પુછપરછ કરી શકે છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે, આ પુછપરછ દરમિયાન જેલમાં મિશેલની સાથે તેમના વકીલ પણ હાજર રહી શકે છે. આ પુછપરછ સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક કરી શકાશે.

આ સાથે જ મિશેલે જે આરોપો લગાવ્યા છે કે જેલમાં તેમના પર માનસિક અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે તેના અંગે કોર્ટે તિહાલ જેલના અધિકારીઓને સીસીટીવી ફૂટેજ રજૂ કરવા આદેશ આપ્યો છે. સાથે જ ગુરૂવારે જે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તેના આધારે તેને હાઈ સિક્યોરિટી ધરાવતી જેલમાં શિફ્ટ કરવાનો વિચાર કરાશે. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે દિલ્હીની કોર્ટે ઈડ્ઢને ક્રિશ્ચિયન મિશેલની તિહાડ જેલમાં પુછપરછ માટે મંજૂરી આપી દીધી છે. જસ્ટીસ અરવિંદ કુમારે ઇડીની અરજી પર જેલની અંદર મિશેલની પુછપરછ કરવાની મંજુરી આપી છે.

Previous articleરિટેલ ફુગાવો ફેબ્રુઆરીમાં ૪ મહિનાની ઉંચી સપાટીએ
Next articleમહાગઠબંધનને મોટો ઝટકો : બસપા કોઇ પણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ કરેઃ માયાવતી