ફી રેગ્યુલેટરી એક્ટને હાઇકોર્ટે બંધારણીય મંજુરી તો આપી દીઘી છે, પંરતુ આ કમિટીમાં વાલીઓને ક્યાંય સમાવાયા નથી. બે દિવસ પહેલા આવેલા એક ચુકાદામાં શાળા સંચાલકોને ગુજરાત હાઈકોર્ટે મોટો ફટકો આપ્યો હતો અને ખાનગી શાળાના સંચાલકોની સ્ટેની માંગણી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
૨૦૧૮થી ફી નિયમન એક્ટ લાગુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જેને પગલે વાલીઓએ ખુશી મનાવી હતી, પણ બીજી તરફ ફી રેગ્યુલેશન માટે બનાવેલી કમિટીમાં જ વાલીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી વાલીઓમાં નિરાશા વ્યાપી છે. જેને પગલે અમદાવાદમાં વાલીઓએ પ્રદર્શન કર્યું હતું.
આ કમિટીમાં ફી નિયંત્રણ સમિતિની રચના સરકાર દ્વારા કરવામાં આવી છે, જેમાં ચેરપર્સન રિટાયર્ડ ડિસ્ટ્રીક્ટ જજ અથવા સેશન્સ જજ હશે. અથવા કોઈ સનદી અધિકારી અથવા કોઈ એડિશનલ ડીજી કક્ષાના આઈપીએસ અધિકારી હોવા જોઈએ. તે ઉપરાંત એક એન્જિયનિયર, સીએ, શિક્ષણકાર અને સ્કૂલનો એક પ્રતિનિધિ હશે. આ કમિટી ફી કન્ટ્રોલ કરવાનું કામ કરશે.
પરંતુ આ કમિટીમાં ક્યાંય વાલીઓને સ્થાન નથી. વાલીઓને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગને નકારી કાઢવામાં આવી છે. ત્યારે વાલીઓએ અમદાવાદના સ્વસ્તિક ચાર રસ્તા પાસે દેખાવો કર્યા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, જો વાલીઓને સ્થાન આપવામાં નહી આવે તો તેઓ સરકારને ઉગ્ર રજુઆત કરશે.