નવા બટાકા આવવાની તૈયારી ફરી એકવાર બટાકા ખેડૂતને રડાવશે

790
gandhi30122017-7.jpg

ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં ખેડૂતો બટાકાની મોટા પાયે ખેતી કરે છે અને ભાવ ન હોય ત્યારે સ્ટોરેજમાં તેનો સંગ્રહ કરતાં હોય છે. આ વખતે નવા બટાકા આવવાની તૈયારી છતાં બટાકાના ભાવ ગગડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. 
દહેગામ પંથકના મોટાભાગના ખેડૂતો બટાટાની ખેતી પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બટાટાની ખેતી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે. આ વર્ષે પણ શરૂઆતથી બટાટાના પોષણક્ષમ ભાવો ન મળતાં બટાટા ફેંકી દેવાના ભાવમાં વેચવાની ફરજ પડી રહી છે.
દહેગામ પંથકમાં આવેલા કોલ્ડ સ્ટોરેજોમાં હજુ સ્ટોક હયાત છે ત્યારે ૧પ થી ર૦ દિવસમાં નવા બટાટાની આવકો માર્કેટમાં શરૂ થઈ જનાર છે. હાલ કોલ્ડ સ્ટોરેજમાં રહેલા બટાટાનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચોકડીમાં ફેંકવાની નોબત આવશે તે દિવસો પણ હવે દૂર નથી. બીજી તરફ હજુ પણ આ વિસ્તારમાં લાખો બોરી બટાટાનો સ્ટોક છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી ખેડૂતોની મદદરૂપ થવા માટે કોઈ મોટી જાહેરાત કરવાની સાથે સાથે સબસિડીની મુદત પણ જાન્યુઆરી અંત સુધી વધારવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત મળી રહે નહીં તો દેવામાં ડૂબી રહેલા ખેડૂતોને આપઘાત કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ખેડૂતોએ બટાટાનો પાક તૈયાર કરવા માટે વિઘા દીઠ હજારો રૂપિયા ખર્ચ કર્યું હતું. તૈયાર થયેલા બટાટાનો ભાવ ન મળતાં તેનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ફરજ પડી હતી. જે ખેડૂતોએ બટાટાનો સંગ્રહ કર્યો હતો તેઓને ઉત્પાદન ખર્ચ સિવાય સ્ટોર ભાડાનો કટ્ટે રૃા.૧૦પ જેટલો ખર્ચ ઉઠાવો પડયો છે તેની સામે હાલ માર્કેટમાં બટાટાના કટ્ટા દિઠ રૃા.૩૦ થી ૬૦ મળતા હોવાથી હાલત દયનિય બની જવા પામી છે.
એટલે કે, જથ્થાબંધ બજારમાં બટાટા એક કિલોના ૨થી ૩ રૂપિયે વેચાઇ રહ્યા છે. બટાટાને ગાડીમાં ભરીને અમદાવાદ માર્કેટ સુધી લઈ જવામાં કટ્ટે ૧પ રૂપિયા ભાડું થતું હોવાથી ખેડૂતોને તો માંડ કટ્ટે ૧પ થી ૪પ રૂપિયા ચોખ્ખા મળી રહ્યા છે. ત્યારે બટાટાની ખેતી કરતા ખેડૂતોએ દેવામાં ડૂબતા બચાવી લેવા રાજ્ય સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરી કોઈ ઠોસ પગલાં ભરવામાં આવે તેવી સર્વત્ર માંગ ઉઠી રહી છે.
માર્કેટમાં બટાટાના પોષણક્ષમ ભાવો મળતાં નથી અને આ બટાટા લોડ કરી માર્કેટ સુધી લઈ જવામાં પણ કટ્ટે ૧પ થી ર૦ રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે જેથી કેટલાક સ્ટોર માલિકો દ્વારા પશુઓને ખવડાવવા માટે સ્ટોર બેઠા રપ રૂપિયે બટાટાનું કટ્ટુ વેચવાનું શરૂ કર્યું છે. હાલ આ પરિસ્થિતિ હોવા છતાં પુરતા પ્રમાણમાં બટાટાનો નિકાલ થઈ રહ્યો નથી.

Previous articleફી નિયમન કાયદામાં પ્રતિનિધિત્વ ન મળતાં નારાજ વાલીઓએ પ્રદર્શન કર્યું
Next articleવાવોલની શાલીન-૪ સોસાયટીમાં ઘરમાંથી ૫૫ હજારનો દારૂ પકડાયો