વાવોલની શાલીન ૪ સોસાયટીમાં રહેતા શખ્સે દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળતા સેકટર ૭ પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં રૂ. ૫૫,૨૦૦ની કિંમતનો ૧૩૩ બોટલ દારૂ મળ્યો હતો. પોલીસે બુટલેગરની પણ ધરપકડ કરી હતી.
થર્ટી ફસ્ટ તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂબંધીની કડક અમલવારી માટે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા પોલીસને સૂચના આપવામાં આવી છે. જેને લઇને દરેક પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ તથા પોલીસ કામે લાગી ગઇ છે.
દરમિયાન સેકટર ૭ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ પી જે ચાવડા તથા વીએમ દેસાઇ તેમની ટીમનાં જવાનો સાથે પેટ્રોલીંગમાં હતા.
ત્યારે વાવોલનાં શાલીન ૪માં ડી બ્લોકમાં ૨/૨ નંબરનાં મકાનમાં રહેતા ધ્રુપદસિંહ કિરીટસિંહ સોલંકી દ્વારા વિદેશી દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમી પીએસઆઇ દેસાઇને અ.હે.કો સુરપાલસિંહ માફરતે મળી હતી. જેના આધારે દરોડો પાડતા બ્લ્યુ મૂડ વ્હીસ્કી પ્રીમીયમ, રોયલ આર્મ્સ રીયલ વ્હીસ્કી તથા મેક ડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કીની કુલ ૧૩૩ નાની મોટી બોટલો મળી આવી હતી.