પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનુ માનવુ છે કે, આગામી વર્લ્ડકપમાં ઓલરાઉન્ડર વિજય શંકરને નંબર ૪ પર બેટિંગ કરવાની તક મળવી જોઇએ. અગાઉ આ નંબર અંબાતી રાયડૂ અને મહેન્દ્ર સિંહ ધોનીના નામ પર વિચાર થઇ રહ્યા હતા. જોકે રાયડૂએ આ તકનો વધારે ફાયદો ઉઠાવ્યો નથી.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં માંજરેકરે જણાવ્યુ કે, ’’વિજય શંકરના સ્ટ્રાઇક રોટેટ કરવાની સાથે લાંબા શોટ્ર્સ રમવાની ક્ષમતા છે, તે રીતે આ નંબર પર તેને બેટિંગ માટે મોકલવો સૌથી સારુ છે. તેને એક બેટ્સમેન તરીકે જ રમાડવો જોઇએ. ટીમ માટે બોલર તરીકે ૩-૪ ઓવર તો પણ તે ટીમ માટે બોનસ જ હશે નહી કે ૬-૭ કે ૧૦ ઓવરનો કોટા પૂરો કરનારો.’’
માંજરેકરે નંબર ૪ પર રાયડૂને લઇને કહ્યુ કે, ’’જ્યારે વેલિંગ્ટનમાં તેણે ૯૦ રન કર્યા ત્યારે મને વિશ્વાસ હતો કે આ સ્થાન માટે તેણે પોતાની જગ્યા પાક્કી કરી દીધી છે, પણ આ સીરિઝની ત્રણ ઇનિંગમાં ઓછો સ્કોર અને વિજય શંકરે પોતાને સાબિત કર્યા પછી તેના (રાયડૂ)ના જગ્યાએ પર સવાલ થઇ રહ્યા છે.’’
માંજરેકરે એમ પણ કહ્યુ કે, ’’કેપ્ટન વિરાટ કોહલીના બેટિંગ ક્રમમાં વધારે ફેરફાર ના કરવો જોઇએ અને ત્રણ નંબર પર જ બેટિંગ કરવી જોઇએ. તેણે કહ્યુ કે, કોહલીએ ત્રણ નંબર પર જ બેટિંગ કરવી જોઇએ. એવુ કોઇ કારણ નથી કે, જે બેટ્સમેન ત્રણ નંબર પર બેટિંગ કરીને ટીમને જીતાડી રહ્યો છે આપણે તેના બેટિંગ ક્રમમાં કોઇ ફેરફાર કરવો જોઇએ.’’