વૈદિક પરિવાર, ગાંધીનગર દ્વારા તાજેતરમાં પુસ્તક વિમોચન, સ્નેહમિલન અને પુરોહિત સન્માન એમ ત્રિવિધ વૈદિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરનાં સેક્ટર-૧૭ ખાતે આવેલ ઈજનેરી સ્ટાફ ટ્રેઈનીંગ કોલેજના ઓડિટોરીયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ર૦૦ જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર દક્ષિણનાં ધારાસભ્ય શંભુજી ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે આશીર્વચન પાઠવવા આર્યજગતના દાર્શનિક સંન્યાસી સ્વામી શાંતાનંદ સરસ્વતી તથા દર્શન યોગ મહાવિદ્યાલય, આર્યવન-રોજડથી આચાર્ય દિનેશજી આર્ય ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
મંચ ઉપર અતિથિ ગણ ઉપરાંત વૈદિક પરિવારના મુખ્ય સંયોજક અરવિંદ રાણા, વૈદિક પ્રવક્તા અવધેશ પ્રસાદ પાંડેય અને મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્ર ગાંધી તથા પં. કમલેશકુમાર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતા. મંચસ્થ મહાનુભાવોના વરદહસ્તે પં. મહેન્દ્રનાથ વેદાલંકારની પુણ્ય સ્મૃતિમાં વૈદિક પદ્ધતિથી સોળ સંસ્કારો કરાવતા અને વૈદિક પરંપરાનો પ્રચાર-પ્રસાર કરતા ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા ૩પ જેટલા પુરોહિતોનું પ્રમાણપત્ર, સાડી-વસ્ત્ર, પુસ્તક આદિની કીટ એનાયત કરી સપત્નિક સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્યજગતમાં વૈદિક ધર્મ, વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર તથા ગુજરાતી ભાષામાં અનેક પુસ્તકોના પ્રકાશન કાર્યમાં મહત્વની ભૂમિકા પ્રદાન કરનાર આચાર્ય દિનેશજી આર્યનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરના કરકમલો દ્વારા સ્વામી શાંતાનંદ સરસ્વતી લિખિત સામ અથર્વ વેદ શતક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકની વિગતવાર સમજ સ્વામી શાંતાનંદ સરસ્વતીએ પોતાના ઉદબોધનમાં આપી હતી. વધુમાં વેદ મંત્રના આધારે પ્રત્યેક મનુષ્ય સદા જાગૃત બન્યો રહેે, કાર્યશીલ બને, પુરુષાર્થી બને અને કર્તવ્યકર્મો પૂરી નિષ્ઠાથી કરતો રહે તેવી સૌને પ્રેરણા આપી હતી.
સમારોહનાં મુખ્ય અતિથિ ધારાસભ્ય શંભુભાઈ ઠાકોરે વેદના મંત્રોની સારગર્ભિત વ્યાખ્યાન કરતા સામ-અથર્વવેદ પુસ્તકના માધ્યમથી લોકો ઈશ્વરાભિમુખ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે માતૃભાષા નું ગૌરવ જાળવવા, વિજ્ઞાનનો ઉપયોગ વધારવા તથા સમાજનો પ્રબુદ્ધ વર્ગ વૈદિક સંસ્કૃતિનું જતન કરવા હમેશા તત્પર તથા અગ્રેસર રહે તે પ્રકારનો સંદેશ આપ્યો હતો.
આચાર્ય દિનેશજી આર્યએ પોતાના વક્તવ્યમાં તેમના પિતા સ્વ. મહેન્દ્રનાથ વેદાલંકાર વિષયક અનેક સંસ્મરણો, વિશેષ ગુણો, તેમનો મળતાવડો સ્વભાવ, આર્યસમાજ તથા આર્યવિદ્વાનો પ્રત્યેની ઉચ્ચ ભાવના બાબતે અનેક વાતો રજુ કરી હતી. વૈદિક પરિવારના ટ્રસ્ટી તથા આ સમારોહના મુખ્ય સંયોજક અરવિંદ રાણાએ વિસ્તારથી વૈદિક પરિવારનો ઉદૃેશ અને કાર્યો બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કરેલ સામાજિક, શૈક્ષણિક તથા સેવાકીય પ્રવૃત્તિઓની સંક્ષિપ્ત વિગતો પણ તેમણે આપી હતી. વૈદિક પરિવારના ટ્રસ્ટી આર્ય વિદ્વાન અવધેશપ્રસાદ પાંડેયજીએ સ્નેહ મિલન પ્રસંગે આત્મચિંતન કરવા પ્રેરિત કરતું વકતવ્ય રજુ કર્યું હતું.