ગાંધીનગર તાલુકાના ચિલોડા પંથકમાં ચાર સ્થળે ચડ્ડી બનિયાનધારી ગેંગ દેખા દેતા રહીશોના ફફડાટ ફેલાય ગયો છે. સોમવારે રાત્રે બનેલી ઘટનાને પગલે સવારે ૧૨થી ૧૫ જેટલા રહીશો ચિલોડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત માટે પહોંચી ગયા હોવાની વાત છે. જોકે, કોઈ સ્થળેથી કોઈપણ પ્રકારની ચોરી ન થઈ હોવાથી પોલીસે ખાનગી રીતે તસ્કરોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ચિલોડામાં ચાર સ્થળે અક્ષર બંગલો,ગુડાના મકાન, સૂરમ્ય બંગોલ, ઉમિયા નગર સોસાયટી પાર્લર પાસે ચડ્ડી બનિયાન ધારી ગેંગે દેખા દીધી હતી. જેમાં એક સ્થળે તો તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા હતા.
અક્ષર બંગલો પાસે આ ગેંગ દેખાતા ચોકીદારે પીછો કરતાં તસ્કરો ભાગી ગયા હતા. તો ગુડાના મકાનોમાં ઘૂસેલી ગેંગ બંધ મકાનો ખાલી જ હોવાનું લાગતા ત્યાં ચોરીનો કોઈપણ પ્રકારનો પ્રયાસ કર્યો ન હતો. મળેલી માહિતી પ્રમાણે ચોર ગેંગના આંટાફેરાથી ગભરાઈ ગયેલા ૧૨થી ૧૫ જેટલા રહીશો સવારે ચિલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, મોટાભાગના સ્ટાફ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી પોલીસ સ્ટેશન પણ ખાલી દેખાતું હતું. જેને પગલે રહીશોમાં માંગ ઉઠી છે કે છાશવારે બંદોબસ્તમાં મુકી દેવાતા પોલીસ સ્ટાફને આ વિસ્તારમાં રખાય તો તસ્કરો ખુલ્લેઆમ આ રીતે ફરતા ન થઈ જાય. પોલીસની ગેરહાજરી જોઇ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. શહેરમાં પોલીસ હાજર ન હોય ત્યારે આ રીતે ગેંગ ખુલ્લેઆમ ફરે ત્યારે તેઓ કોઇ મોટી ઘટનાને અંજામ પણ આપી શકે છે. ત્યારે શહેરીજનો પોલીસને અન્ય સ્ટાફમાં ન મોકલી શહેરમાં રાખી પેટ્રોલિંગ વધારવા માગણી કરવામાં આવી છે.