અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટર કોલગર્લ હોવાના લખાણ દર્શાવતા પેમ્પ્લેટ ફરતા કરી બદનામ કરવાનો પ્રયાસ કરાતા ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલા ડોકટરના જુના ક્લિનિક પર પેમ્પ્લેટ ફરતા કરવામાં આવતા મહિલાને ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા.
વાત છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની. અહિં આવેલા વિસત સર્કલ પાસે ફિઝિયોથેરાપીનું ક્લિનિક ધરાવતી યુવતીને બે દિવસ પહેલા રાતે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને બીભત્સ માંગ કરવામાં આવી હતી. જેથી તેણે ફોન કટ કરી દીધો હતો. બાદમાં બેથી ત્રણ અલગ-અલગ નંબર પરથી બીભત્સ માંગણીઓ કરતા ફોન આવ્યા હતા. જ્યારે થોડા સમય બાદ આ મહિલાને તેના જૂના ક્લિનિક પાસેના દુકાનદારને પેમ્ફલેટ મળ્યા હતા.
મહિલા અગાઉ જ્યાં ક્લિનિક ધરાવતી હતી, તેની નીચેની દુકાનના માલિકને ક્લિનિકમાં નામ, મોબાઈલ નંબર અને બીભત્સ લખાણ સાથેના પેમ્પ્લેટ મળ્યા હતા. જેથી તેઓએ મહિલાને જાણ કરી હતી. મહિલાએ તેમના સસરાને જાણ કરી ત્યાં મોકલ્યા હતા. બાદમાં મોડી રાતે પણ ફોન આવવાના ચાલુ રહેતાં યુવતીએ પોલીસને જાણ કરી.
આ ઘટનાઓ વુમન્સ ડે બાદ બની હતી. એકતરફ શહેર પોલીસે મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે અવનવા કાર્યક્રમો કર્યા હતા. પણ ભોગ બનેલી આ મહિલાને પોલીસસ્ટેશનનો કડવો અનુભવ થયો હતો.
પહેલા મહિલાના સસરા ચાંદખેડા પોલીસસ્ટેશન ગયા તો ત્યાં મહિલાને લગતી ઘટના હોવાનું કહી મહિલા પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવ્યા. ત્યાં ગયા તો મહિલા પોલીસે સાયબર ક્રાઇમ હોવાનું કહી તગેડી મૂક્યા હતાં. સાયબર ક્રાઇમે પણ ફરિયાદ ન લીધી. આખરે યુવતીના પરિવારજનોએ સીધો શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. આખરે કમિશ્નરના આદેશ બાદ ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં તો પોલીસે પુરાવા ભેગા કરી તપાસ શરૂ કરી છે. પણ આ મહિલાને ભૂતકાળમાં કોઇ યુવક સાથે દુશ્મનાવટ હતી કે અન્ય કોઇ સંબંધ હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.