રોબર્ટ વાડ્રાની સાથે ચોકીદારની પણ તપાસ થાય : રાહુલ ગાંધી

502

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે તમિલનાડુની રાજધાની ચેન્નઈ પહોંચ્યા. અહીં સ્ટેલ મેરિસ કોલેજમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષે સ્ટુડન્ટ્‌સ સાથે વાતચીત કરી. આ દરમિયાન એક સ્ટુડન્ટે તેમને રોબર્ટ વાડ્રાને લઈને સવાલ કર્યો તો તેઓએ કહ્યું કે દેશનો કાયદો બધા પર બરાબર લાગુ થાય છે.કોલેજના સ્ટુડન્ટ્‌સની સાથે અનૌપચારિક વાતચીત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે રાફેલ ડીલ અને તેમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, હું આ કહેનારો પહેલો વ્યક્તિ હોઈશ..રોબર્ટ વાડ્રાની તપાસ કરો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ તપાસ કરો.કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીઓ કાશ્મીર મુદ્દે બોલતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, અટલ બિહારી વાજપેયીની ખોટી નીતિઓના કારણે જ જમ્મુ કાશ્મીરની સ્થિતિ બગડી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા જમ્મુ કાશ્મીરની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ ભાજપની ખોટી નીતિઓના કારણે આજે ત્યાં સ્થિતિ બગડેલી છે.

૨૦૦૪માં જ્યારે યુપીએની સરકાર બની તો ત્યાંની સ્થિતિ ઘણી બગડેલી હતી. વાજપેયી સરકારની ખોટી રાજકીય નીતિઓના કારણે કાશ્મીરની સ્થિતિ બગડેલી છે. અમારી સરકારની રણનીતિથી ત્યાંના સ્થિતિ સુધરી. અમે પાકિસ્તાન પર દબાવ બનાવવામાં સફળ રહ્યાં. અમે જમ્મુ કાશ્મીરની જનતાની સાથે તાલમેલ વધારી રહ્યાં હતા.

તેની સાથે જ તેઓએ કહ્યું કે, રોબર્ટ વાડ્રા પર સરકારને દરેક કાર્યવાહી કરવાનો અધિકાર છે. તમારી પાસે બધા સંસાધન છે, પરંતુ શું ક્યારેય પીએમે પોતે રાફેલ પર એક શબ્દ પણ બોલ્યો છે? રોબર્ટ વાડ્રા તપાસમાં સહયોગ કરી રહ્યા છે, પરંતુ સમગ્ર દેશ જાણે છે કે પીએમે રાફેલ ડીલમાં શું કર્યું. તેમ છતાંય તેઓએ મૌન સાધી લીધું છે. પીએમનું નામ સીધી રીતે રાફેલ અને ડસોના પેપર્સમાં આવ્યું છે તો તેમની પણ તપાસ થવી જોઈએ.

વિદ્યાર્થીનીઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીનીએ રાહુલ ગાંધીને દેશમાં મહિલાઓની સ્થિતિ અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતમાં મહિલાઓની સ્થિતિ ઉત્તર ભારતના રાજ્યો યુપી અને બિહારથી ખૂબ જ સારી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ દરમિયાન કહ્યું કે, આજકાલ ભારતમાં એક વિચારધારાની લડાઈ ચાલી રહી છે. આ બે વિચારધારાઓની વચ્ચે જંગ છે. એક વિચારધારા દેશને એક કરવાના પક્ષમાં છે અને ઈચ્છે છે કે તમામ દેશવાસી પરસ્પર ખુશીથી રહે અને કોઈ એક આઈડિયાથી ડોમિનેટેડ ન હોય. આપ દેશમાં એક ડરની ભાવના ઊભી કરીને દેશની આર્થિક પ્રગતિ વિશે વાત નથી કરી શકતા, આપણે દેશનો મૂડ ચેન્જ કરવાનો છે, કારણ કે આ દેશનો મિજાજ આર્થિક પ્રગતિ નક્કી કરે છે. અમારી તમામ સંસ્થાનોને વિચારોની આઝાદી હોવી જોઇએ. તમે કોઇપણ વિચારને આંખ બંધ કરીને સ્વીકારી શકતા નથી અને આ જ આપણી શિક્ષા પ્રણાલીનું માળખું હોવું જોઇએ. રોજગાર અંગે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તમને લાગે છે કે આ વૈભવી કોલેજમાં ભણીને નીકળતાની સાથે જ તમને નોકરી મળી જશે. દેશમાં રોજગારીનું સર્જન નથી થઇ રહ્યું. જે એક મોટો પડકાર છે.

મહિલા અનામત અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહિલાઓ અને પુરુષોને સમાન અધિકાર મળવા જોઇએ. સાચું કહું તો મને ઉચ્ચ સ્તરે યોગ્ય સંખ્યામાં મહિલાઓ દેખાતી નથી. અમે સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરવા જઇ રહ્યા છે અને અમે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં ૩૩% અનામત લાગુ કરવા જઇ રહ્યા છે.

તેઓએ સાથોસાથ કહ્યું કે, કેટલીવાર આપને કે આપ જેવા સ્ટુડન્ટ્‌સને તક મળે છે પૂછવાની કે પીએમજી દેશમાં શિક્ષા વિશે તમે શું વિચારો છો? તેના વિશે શું વિચારો છો? પેલા વિશે શું વિચારો છો? પીએમ ૩૦૦૦ લોકોની સામે ઊભા રહીને ખુલીને સવાલ-જવાબ કેમ નથી કરતા. એવું કેમ છે કે તમામ વિપક્ષી નેતાઓને પ્રેસ કોન્ફરન્સ કરવી પસંદ છે પરંતુ પીએમ ક્યારેય કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા.

Previous articleભારતમાં પણ હવે બોઇંગ ૭૩૭  મેક્સ બેન : ફ્લાઇટ ઉપર અસર
Next articleમસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા પર ચીન ફરી અવરોધો ઉભા કરે તેવા એંધાણ