ભારતીય હવાઈ દળ દ્વારા બાલાકોટમાં એરસ્ટ્રાઇક બાદ હચમચી ઉઠેલા પાકિસ્તાને કલાકોના ગાળા બાદ જ ભારતીય સૈન્ય સ્થળો ઉપર હવાઈ હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. હવે અગાઉના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ રહદ ઉપર ફરી એકવાર તંગદિલી વધારાના પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પૂંચ સેક્ટર હેઠળ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં અંકુશરેખા નજીક પાકિસ્તાનના બે યુદ્ધ વિમાન નજરે પડ્યા બાદ એરડિફેન્સ સિસ્ટમને મજબૂત અને હાઈએલર્ટ કરી દેવામાં આવી છે. એરડિફેન્સ દ્વારા રડાર મારફતે એલઓસી પાર ૧૦ કિમીની હદમાં પાકિસ્તાની એરફોર્સના બે જેટ વિમાન જોવા મળ્યા હતા. આ ક્ષેત્રમાં યુદ્ધ વિમાનોનો જોરદાર અવાજ પણ સંભળાયો હતો. તમામ ભારતીય એરડિફેન્સ અને રડાર સિસ્ટમ હાઈએલર્ટ પર છે. છેલ્લા કેટલાક દિવસમાં પાકિસ્તાને સતત ડ્રોન મારફતે ભારતીય હવાઈ દળની માહિતી મેળવવાના પ્રયાસ કર્યા છે.
થોડાક દિવસ પહેલા જ કેટલાક પાકિસ્તાની ડ્રોનને તોડી પણ પાડવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાત્રે એલઓસી ઉપર પાકિસ્તાનના બે યુદ્ધ વિમાન ફરી રહ્યા હતા. એમ માનવામાં આવે છે કે, પાકિસ્તાન ફરી કોઇ નાપાક હરકત કરી શકે છે. ત્રાસવાદી સંગઠન જૈશના કેમ્પોને ફૂંકી મારવામાં આવ્યા બાદ જ એર ડિફેન્સ સિસ્ટમ હાઇએલર્ટ ઉપર છે.
અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો પાકિસ્તાનના કોઇ વિમાન ભારતમાં ઘુસે છે તો તેને તરત ફૂંકી મારવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે એટલે કે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા માટે વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રાસવાદી અડ્ડાઓ ઉપર મિરાજ ૨૦૦૦ વિમાન મારફતે ૧૦૦૦ કિલોગ્રામના બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ૧૨ મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમ સહિત ત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બાલાકોટ અને ચપોટીમાં પણ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હતા. જૈશે મોહમ્મદના તમામ અડ્ડાઓને આ ગાળામાં ફુંકી મારવામાં આવ્યા હતા. બાલાકોટ, ચિકોટી અને મુઝફ્ફરાબાદમાં જૈશ અને અન્ય ત્રાસવાદી સંગઠનોના અડ્ડાઓને ત્રાસવાદીઓ સાથે ફૂંકી મારવામાં આવ્યા હતા.