ભાગવત સપ્તાહના અંતિમ દિને કૃષ્ણ- સુદામાની મિત્રતાની કથા સાંભળી ભાવિકો રસ તરબોળ થયા

1286

સમસ્ત નાનાભાઈ ભરવાડ સમાજ આયોજિત લોક કલ્યાણ અને પિતૃ મોક્ષાર્થે ભાવનગર ખાતે જવાહર મેદાનમાં વૃંદાવન ધામમાં યોજાયેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ તેમજ મહાવિષ્ણુયાગના સાતમાં દિવસે ક પૂ. જીજ્ઞેશ દાદાએ આજે રુક્ષ્મણીએ કૃષ્ણને લખેલા પત્રની વિગતે વાતો કરી હતી.

રુક્ષ્મણીએ જણાવ્યું કે તમે મને લેવા આવો ત્યારે ઘણા રાજાઓ સામે લડવું પડશે. આપ જો મને લેવા આવો તો હું પૂજા કરવા જાવ ત્યારે આવજો. જો તમે મને લેવા નહીં આવો તો હું પ્રાણ ત્યાગી દઈશ પણ શિશુપાલની સાથે વિવાહ નહીં કરું. કૃષ્ણ ભગવાને આ પછી રુક્ષ્મણી હરણ કરી અને લગ્ન કર્યા જે પછી એમણે ઘણા લગ્ન કર્યા અને આઠ મહારાણી હતી અને ૧૬૧૦૦ કન્યાને મુક્ત કરી એમની સાથે પરણ્યા આમ કૃષ્ણ ભગવાના લગ્ન ૧૬૧૦૮ રાણીઓ સાથે થયા. આજે પૂ. જીજ્ઞેશ દાદાએ ઝડપથી કથાને આગળ વધારી આ કથામાં શિશુપાલ વધની કથા કહી. શિશુપાલનો ઉધ્ધાર કર્યો.

સુદામાની વાત કરતા પૂ. જીજ્ઞેશ દાદાએ કહ્યું કે આ દુનિયામાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોય તો એ હતા સુદામા. એ કોઈની પાસે માંગતા ન હતા – એમણે અયાચક વ્રત રાખેલું એટલે કોઈ પાસે માંગવું નહીં.

બીજા દ્વારપાળને સુદામાએ વિગતો આપી કે હું પોરબંદરથી આવું અને કૃષ્ણનો મિત્ર છું. દ્વારપાળ કૃષ્ણને સમાચાર આપ્યા અને કૃષ્ણ દોડતા સુદામા પાસે આવ્યા અને ભેટી પડ્યા. પછી અંદર લઈ જઈ સુદામાને સ્નાન કરાવ્યું, પીળું પિતાંબર પહેરાવ્યું. બન્ને ઝુલા પર બેઠા. સુદામાએ આવડી મોટી સંપતિ જોઈ. પોતાની પૌવાની પોટલી સંતાડ્યા કરી. ભગવાને આ જોયું ને પૂછ્યું કે શું સંતાડે છે, સુદામાએ કહ્યું કે કંઈ નથી. પણ કૃષ્ણએ પૌવાની પોટલી ઝુંટવી લીધી. એમણે એક પછી એક પોટલીની ગાંઠ છોડી અને એની સાથે સુદામાના ભાગ્યની ગાંઠ ખૂલી.

બીજા દિવસે સુદામાને વિદાય આપી ભગવાને કૃષ્ણએ આપેલ પિતાંબર પાછું માંગી પોતડી પહેરાવી.સુદામા પોરબંદર આવી જોયું તો એમનું મકાન મહેલરૂપ થઈ ગયેલું. સુદામાએ કહ્યું કે આ શું ? સુશિલાએ કહ્યું કે તમારા મિત્ર કૃષ્ણ અહીં આવેલા અને આ બધું આપી ગયા. સુદામાની આંખમાં અશ્રુધારા વહેતી થઈને બોલ્યા, ?કનૈયા, તેં પિતાંબર કઢાવી લીધું અને આટલું બધું આપી ગયો ? દશમ સ્કંદ પૂર્ણ થતા અગિયારમો સ્કંદ કૃષ્ણના સ્વધામની કથા છે. બ્રાહ્મણોના શ્રાપને કારણે યદુવંશનો ક્ષય થયો. પૂ. જીજ્ઞેશ દાદાએ બ્રાહ્મણોના શ્રાપની કથા કહી. યાદવકૂળની લડાઈ જોઈ ભગવાન કૃષ્ણ દુઃખી થયા. એમણે વિચાર્યું આખી દુનિયાને બદલી શક્યો, હું મારા પરિવારને ના બદલી શક્યો.

આ પછી બારમા સ્કંદમાં પરિક્ષિતના મોક્ષની કથા છે. મૃત્યુનો ભય ના રાખશો. મૃત્યુના ભયમાંથી મુક્ત થવા ભાગવત કથાને સાંભળો. આજનો યુગનો મહામંત્ર છે શ્રી કૃષ્ણં શરણમ્‌ મમ કહી પૂ.જીજ્ઞેશદાદાએ કથાને વિરામ આપ્યો.

Previous articleગઢડા ગોપીનાથજી મંદિરની બહેનો દ્વારા બે લાખનો ચેક શહિદ પરિવારને આપ્યો
Next articleમીડિયા મોનિટરીંગ સેન્ટર કાર્યરત