આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ ના અનુસંધાને ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના તમામ નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ નોડલ અધિકારીઓએ તેમણે ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અને જવાબદારીઓની જાણકારી આપી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીને અનુલક્ષીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા થતાં પ્રચાર-પ્રસાર, ચૂંટણી નિરીક્ષકોની વ્યવસ્થાઓ, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી તાલીમ, જરૂરી સ્ટાફની ફાળવણી, આચારસંહિતાની કડક અમલવારી, મતદારોની જાગૃતિ માટે જરૂરી વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટે તંત્ર દ્વારા પૂરી પાડવાની થતી વ્યવસ્થા, ઈવીએમ અને વીવીપેટ નિદર્શન, મતદાર સંકલ્પ પત્ર અને મતદાર જાગૃતિ રેલી તેમજ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ, ચૂંટણી કામગીરી માટે જરૂરી કર્મચારીઓની સંખ્યા અને તેમને જરૂરી તાલીમ, કાયદો અને વ્યવસ્થા, સાયબર સિક્યૉરિટી, પ્રચાર-પ્રસાર માધ્યમો પર નિયંત્રણ અને દેખરેખ, મતદાર જાગૃતિ હેલ્પલાઈન તેમજ માઇક્રો ઓબ્ઝર્વર્સ સહિત વિવિધ ૨૫ સમિતિઓની રચના કરી, આ દરેક સમિતિની જવાબદારી સંલગ્ન નોડલ ઓફિસરને સોંપવામાં આવી છે. આજે યોજાયેલી આ બેઠક માં જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ, નાયબ ચૂંટણી અધિકારી બી.એન. ખેર, નાયબ માહિતી નિયામક એસ.એમ. બુંબડીયા, અધિક કલેક્ટર આરએમસી ભાવનગર આર.આર. ડામોર, ડી.આર.ડી.એ. ડાયરેક્ટર એચ.આર. કેલૈયા સહિતના અધિકારીઓ ઉપ્સ્થિત રહ્યા હતા.