ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર ખોરજ નજીક કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો

666

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા પ્રોહીબીશનની બદીને અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે અડાલજ પોલીસે બાતમીના આધારે ખોરજ પાસેથી એક કારને ઝડપી લીધી હતી. જો કે તેનો ચાલક ભાગી છુટવામાં સફળ રહયો હતો. પોલીસે આ કારમાંથી ૪૩૨ નંગ વિદેશી દારૂની બોટલ અને ર૬૪ બિયરના ટીન મળી ૧.રર લાખ અને કાર મળી કુલ ૬.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહયું છે અને ખાસ કરીને દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્ત્વોને પકડવામાં આવી રહયા છે ત્યારે ગાંધીનગર નજીક અડાલજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી અડાલજ પોલીસને મળી હતી.

જે બાતમીના આધારે પોલીસે ખોરજ કન્ટેનર કટ પાસે વોચ ગોઠવી હતી. જે અંતર્ગત બાતમીવાળી કાર આવતાં તેને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો અને કારનો ચાલક કારને ત્યાં જ મુકીને નાસી છુટયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ ૪૩૨ નંગ બોટલ અને ર૬૪ બિયરના ટીન મળી આવ્યા હતા.

૧.રર લાખનો દારૂ બિયરના જથ્થાની સાથે કુલ ૬.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને કાર નંબરના આધારે બુટલેગરને શોધવા માટે દોડધામ કરવામાં આવી રહી છે.

Previous articleબોગસ માર્કશીટ વેચવાનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ
Next articleસામે હોળીએ ભડકો ન થાય તે રીતે આજથી BJPમાં સેન્સનું નાટક!