કાંકરેજ તાલુકાના ખારીયા ગામમાં તાજેતરમાં આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો હતો અને ભારે નુકસાન થયેલ હતું. હજુ દોઢ માસ અગાઉ આવેલા પૂરમાંથી લોકો માંડમાંડ ઉગર્યા છે. ત્યાં શનિવારે નદીમાં પાણીમાં કપડાં ધોવા આવેલા ત્રણ બાળકો અને બે કિશોરીમાંથી ત્રણ બાળકો નાહવા પડતાં ડૂબવા લાગતાં કિશોરીઓ બચાવવા જતાં ડૂબી જવાથી બન્નેના મોત નિપજ્યા હતા. જેમની લાશને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.
કાંકરેજના ખારિયામાં શનિવારે ફરીથી એક કરૂણ ઘટના બની હતી. જેમાં ત્રણ બાળકો અને બે કિશોરીઓ નદી ઉપર કપડાં ધોવા ગયા હતા. ત્યારે તેમાંથી ત્રણ બાળકો નાહવા પડ્યા હતા અને કિશોરીઓ કપડાં ધોવા લાગી હતી.
ત્યારે અચાનક આ ત્રણેય બાળકો ડૂબવા લાગતાં આ બન્ને કિશોરીઓ જાસલબા રણુભા વાઘેલા (ઉં.વ.૧૫) અને શિલ્પાબા રમુભા વાઘેલા (ઉં.વ.૧૫) ને તરતાં ન આવડતું હોવા છતાં પણ બાળકોને બચાવવા પાણીમાં પડી હતી. જેમને બાળકોને નદીના કાંઠે લાવતાં ત્રણેય બાળકો બચી ગયા હતા.
આ બે કિશોરીઓ પાણીમાં ડૂબી ગઇ હતી. જેથી તેમના મોત નિપજ્યા હતા. જેથી બાળકોએ આજુબાજુ લોકોને જાણ કરતાં નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
આ ઘટનાની જાણ પીએસઆઇ એ.ડી. પરમાર તેમજ મામલતદાર એસ.એ. ચૌહાણને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કિશોરીઓના મૃતદેહને ૧૦૮ મારફતે રેફરલ ખાતે લાવી બન્નેનું પીએમ કરાવી લાશનો કબજો વાલીવારસોને સોંપ્યો હતો.