વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ હતી. આ દરમિયાન સેન્સ લેવા પહોંચેલા ભાજપના નિરીક્ષક બાબુભાઇ જેબલિયાએ આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડશે તે વાત પાયા વિહોણી છે.
બાબુભાઇ જેબલિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડશે એ વાતમાં કોઇ દમ નથી. અહીંયા અનેક કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. એની પસંદગી થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એવી ચર્ચા હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જોકે, આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ગુજરાતની ૨૬ લોકસભા સીટ માટે સીટ દીઠ ત્રણ ત્રણ નિરીક્ષકોને જવાબદારી સોંપવામા આવી છે. ત્યારે રાજકોટ લોકસભા સીટ માટે ગુરૂવારનાં રોજ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. જેમાં વિધાનસભા દીઠ તમામ આગેવાનો અને કાર્યકરોનો મત જાણવાનો પ્રયત્ન કરાયો હતો. રાજકોટ લોકસભા બેઠક માટે નિરીક્ષકની જવાબદારી બાબુભાઈ જેબલિયા, નરહરી અમિન અને જયાબેન ઠક્કરને સોંપવામા આવી. બીજી તરફ, નિરીક્ષક નરહરી અમીને જણાવ્યું હતું કે, તેઓ પક્ષના વડા છે. એ તેમને નક્કી કરવાનું છે કે ક્યાંથી ચૂંટણી લડવી છે? તે ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડે તો તેનો ફાયદો માત્ર રાજકોટને જ નહીં સૌરાષ્ટ્રની તમામ સીટો પર થઇ શકશે.