ખેડૂતોની હાલત દિવસેને દિવસે દયનીય બની રહી છે. ગત એક વર્ષમાં કેટલાએ ખેડૂતોએ કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાના બનાવો સામે આવ્યા હતા. એક બાજુ કુદરતની નારાજગી અને બીજી બાજુ સરકારની કામગીરીથી પરેશાન ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થતો જાય છે. જેને લઈ આખરે ખેડૂતે પોતાની રજૂઆત માટે રસ્તા પર ઉતરવું પડે છે. આવી જ બે વધુ ઘટના આજે સામે આવી છે. બંને ઘટનામાં ખેડૂતો પાણીને લઈ રસ્તા પર આવ્યા છે. એક ઘટના કડી-કલોલની છે તો બીજી ભાવનગરની છે.
સૌપ્રથમ કડી કલોલ વિસ્તારની વાત કરીએ તો, સાણંદ, કડી, કલોલ તાલુકાના ૪૦ ગામના ખેડૂતો પાણીની સમસ્યાને લઈ રસ્તા પર ઉતર્યા છે. આ ગામના ખેડૂતોની ફરિયાદ છે કે, ૧૦ દિવસથી પાણી બંધ છે જેને લઈ સરકારનું ધ્યાન દોરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેટલીએ વખત તંત્રને જાણ કરવા છતા ૧૦ દિવસથી પાણી બંધ છે.
આ વિરોધ પ્રદર્શન માટે ૪૦ ગામના ૫૦૦થી વધુ ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. અને ખેડૂતોએ નારો લગાવ્યો છે કે, “પાણી નહી તો મત નહી”. ખેડૂતોએ પાણીની અરજ સાથે સરકાર પાસે જોર શોરથી માંગણી કરી છે.
તો આ બાજુ, ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે શેત્રુંજી ડેમ સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ ડેમનુ પાણી હાલ સિંચાઈ માટે આપવાનુ બંધ કર્યુ છે અને પીવા માટે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. જેને પગલે નહેર વિસ્તારના કમાંડવાળા ખેડૂતોએ પાણીની માંગ કરી છે.
ખેતરમાં શેરડી, બાજરી, જુવાર જેવા પાક મોટાભાગ તૈયાર થવાની અણી પર છે અને સિંચાઈનું પાણી ન મળે તો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. જેને પગલે ખેડૂતોએ પાણીની માગ સાથે શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે એક સભા યોજી હતી અને બાદમાં કલેક્ટર કચેરી સુધી ખેડૂત એક્તા મંચ હેઠળ રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે એસ.ડી.એમને આવેદન આપીને પાણી આપવાની માગ ખેડૂતોએ કરી હતી.