ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે કરતારપુર કોરિડોર બનવાના તોરતરીકા પર આજે વાતચીત થઇ હતી. આ બેઠક વાઘા-અટારી સરહદ ઉપર થઇ હતી. બંને દેશોના પ્રતિનિધિ કોરિડોર બનાવવાના મામલા ઉપર ચર્ચા કરતા નજરે પડ્યા હતા. કરતારપુર કોરિડોર ઉપર ભારત અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ બેઠકમાં કરતારપુર કોરિડોરથી ગુરુદ્વારા કરતારપુર સાહેબ જતાં શ્રદ્ધાળુઓની સુવિધા પાસા ઉપર ચર્ચા થઇ છે. આ કોરિડોર બની ગયા બાદ ભારતીય શીખ શ્રદ્ધાળુ સરળતાથી ગુરુદ્વારા દરબાર સાહેબના દર્શન કરી શકશે. આ કોરિડોર પાકિસ્તાની શહેર કરતારપુરમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહેબને પંજાબના ગુરદાસપુર શહેરને જોડશે. વાતચીતથી પહેલા એવી ચર્ચા હતી કે, ભારત પાકિસ્તાન જતાં ભારતીય શ્રદ્ધાળુઓને થતી તકલીફના મુદ્દા ઉપર વાતચીત કરશે પરંતુ આવી કોઇ વાતચીત થઇ ન હતી. કોરિડોરના મુદ્દા ઉપર વધુ ચર્ચા કરવા માટે ભારતીય ટીમ ૨૮મી માર્ચના દિવસે પાકિસ્તાન જશે. ભારતના પ્રતિનિધિમાં ગૃહમંત્રાલય, વિદેશ મંત્રાલય, બીએસએફ, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ અને પંજાબ સરકારના પ્રતિનિધિઓ સામેલ થશે.
બેઠકને કવર કરવા માટે જવાઈ ઇચ્છુક પાકિસ્તાની પત્રકારોને વિઝા આપવાના મુદ્દે પણ વિવાદની સ્થિતિ રહેલી છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં જૈશના અડ્ડાઓ ઉપર હવાઈ હુમલા અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા હુમલાના નિષ્ફળ પ્રયાસને લઇને તંગદિલી વચ્ચે આ બેઠક થઇ રહી છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારત અને પાકિસ્તાન કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહેબને ભારતના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરાબાબા નાનક ગુરુદ્વારા સાથે જોડવા માટે સહમતિ થઇ હતી.