પુલવામા ત્રાસવાદી હુમલા બાદ આ હુમલાની જવાબદારી સ્વીકારનાર જેશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી તરીકે જાહેર કરવાા પ્રસ્તાવ પર ચીને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં અડચણ ઉભી કર્યા બાદ વિશ્વના શક્તિશાળી દેશો ચીનના વલણને લઇને નારાજ દેખાઇ રહ્યા છે. ચીન દ્વારા વીટોનો ઉપયોગ કરીને પાકિસ્તાનની ફરી એકવાર મદદ કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ કહ્યુ છે કે અન્ય એક્શન લેવા માટે ફરજ પડી શકે છે. આ ચોથી વખત બન્યુ છે જ્યારે ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને પ્રસ્તાવને નિષ્ક્રિય કરી દેવામાં સફળતા મેળવી છે. ભારતે ચીનના વલણ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આતંકવાદ સામેની લડાઈ જારી રહેશે. ચીનનું વલણ કોઇપણ રહે પરંતુ ભારત આતંકવાદ સામેની લડાઈમાં અકબંધ છે અને તેની લડાઈ વધુ નિર્ણાયક રીતે જારી રહેશે.
જો કે આ વખતે સુરક્ષા પરિષદના સભ્યો અન્ય વિકલ્પ પર વિચારણા કરી શકે છે. ચીને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભારત માટે સારી બાબત એ રહી છે કે અન્ય ચાર સ્થાયી સભ્યો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયાએ ભારતને સાથ આપીને ત્રાસવાદની સામે લડાઇ સાથે લડવાની ખાતરી આપી છે. સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ ચીનને ચેતવણી આપતા કહ્યુ છે કે જો તે પોતાની આ નીતિ પર કાયમ રહેશે તો અન્ય કાર્યવાહી પર વિચારણા કરવામાં આવી શકે છે. સુરક્ષા પરિષદના અન્ય એક રાજદ્ધારી અધિકારીએ કહ્યુ હતુ કે જો ચીન તેના વલણ પર કાયમ રહેશે તો અન્ય જવાબદાર દેશો એક્શન લેવા માટે આગળ વધી શકે છે. રાજદ્ધારી અધિકારીએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ હતુ કે મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાના પ્રસ્તાવને ચીન દ્વારા રોકવામાં આવ્યા બાદ અન્ય સભ્ય દેશો પણઁ આવુ વલણ ધરાવે છે. આ પહેલા પણ ત્રાસવાદી મસુદને બચાવવામાં ચીનની હમેંશા ભૂમિકા રહી છે. ચીને આ પહેલા ત્રણ વખત વીટોનો ઉપયોગ કરીને ત્રાસવાદની મદદ કરી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે સીઆરપીએફ કાફલા પર કરવામાં આવેલા આત્મઘાતી હુમલા બાદ ભારતે જોરદાર લાલ આંખ કરી હતી. ભારતે પોકમાં ઘુસી જઇને ત્રાસવાદી કેમ્પો પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં સેંકડો ત્રાસવાદી માર્યા ગયા હતા. પુલવામા હુમલાની જવાબદારી જેશ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા બાદ ભારત દ્વારા જોરદાર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ખુબ તંગ બનેલા છે. જેશે પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારી લીધા બાદ અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહિતના દેશોએ મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કર્યો હતો. જો કે ચીને વીટોનો ઉપયોગ કરીને આ પ્રસ્તાનને ઉડાવી દીધો હતો. ચીનના ભારત પ્રત્યેના વલણનો ફરી એકવાર પર્દાફાશ થઇ ગયો છે. મળેલા અહેવાલ મુજબ એકમાત્ર ચીન સિવાય તમામ દેશો મસુદ પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં હતા. ચીન દ્વારા વીટો પર પ્રતિક્રિયા આપતા ભારતે સાફ શબ્દોમાં કહ્યુ છે કે ત્રાસવાદ સામે ભારતની લડાઇ જારી રહેશે. ભારતે કહ્યુછે કે અન્ય તમામ મંચ પર ભારત ત્રાસવાદ સામે પોતાની રજૂઆત જોરદાર રીતે કરશે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટો પાવર ધરાવનાર દેશ તરીકે છે. જેથી તમામની નજર તેના પર કેન્દ્રિત હતી. કારણ કે તે પહેલા પણ મસુદને બચાવતો રહ્યો છે.