અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો નોંધાયો છે જેથી લોકોને પણ રાહત થઇ છે. લઘુત્તમ તાપમાનમાં ગઇકાલ કરતા આંશિકરીતે વધારો થયો છે. જો કે, હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં. જેથી સ્થિતિ પણ યથાવત રહેશે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧.૭ ડિગ્રી રહ્યું હતું. જો કે, રાજ્યમાં સૌથી ઓછુ તાપમાનમાં આજે વલસાડમાં ૯.૬ ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં ૯.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં એકાએક ઘટાડો નોંધાયો છે. ઉત્તરાયણ સુધી ઠંડીમાં હજુ પણ વધુ ફેરફારની સ્થિતિ જોવા નહીં મળે તેવી શક્યતા છે. ક્રિસમસના પર્વ ઉપર જેટલી ઠંડીનો અનુભવ સામાન્ય રીતે થાય છે તેટલો અનુભવ થયો નથી.