ગુજરાત ભાજપના અમદાવાદ ખાતેના કાર્યાલયમાં ભાજપના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી અને ભાજપના ઝંડાઓ કચરાપેટીમાં નાખી દેવામાં આવ્યા છે.
અમદાવાદ ખાતે આવેલા ભાજપના કાર્યાલયથી ભાજપની રાજકીય સફર શરૂ થઈ હતી. આજ કાર્યાલય પરથી ભાજપે સત્તાના સુત્રો સંભાળ્યા હતા. આ જ ભાજપના કાર્યાલય પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના નેતાઓએ પોતાની રાજકીય કારકીર્દી શરૂ કરી હતી. ભાજપ કાર્યાલય પક્ષના નેતાઓ અને કાર્યકરો માટે એક મંદિર જેવું છે ત્યારે હાલમાં આ કાર્યાલય શહેર ભાજપ અને સાંસદો માટે ફાળવવામાં આવ્યું છે. ખાનપુર ખાતેના આ ભાજપ કાર્યાલયમાં હાલ જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખરજી ની તસવીર અને ભાજપના ઝંડાઓ કચરાપેટીમાં નાખી દેવામાં આવ્યા છે.
શ્યામાપ્રસાદ મુખરજીએ ભારતીય જનસંઘ (ભાજપ)ની સ્થાપના કરીઃ સન્ ૧૯૦૧માં કોલકત્તા ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ થયો હતો. તેઓ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂની કેબિનેટના ઉદ્યોગમંત્રી હતા.
ભારતની લોકશાહીમાં જ્યારે એક જ પક્ષનો સિતારો ઝળહળતો હતો તેવા સમયે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીએ વર્ષ ૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના કરી રાષ્ટ્રીય રાજકારણમાં નવો વિકલ્પ આપ્યો હતો. એ જ ભારતીય જનસંધ વર્ષ ૧૯૮૦માં ભાજપમાં તબદીલ થયું હતું.