ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણીનો બ્યૂંગલ વાગી ચૂક્યા છે, ત્યારે ભાજપે સૈનિક બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેના માટે ભાજપે રાષ્ટ્રવાદના નામે સૈનિક બનાવવા ફોર્મ બહાર પાડ્યા છે.પરંતુ આ ફોર્મમાં જ્ઞાતિવાદ એટલે કે કઈ જ્ઞાતિનો છે તેનો ઉલ્લેખ કરવો ફરજીયાત બનાવ્યું છે. તેના કારણે રાજકારણ ગરમાઇ ગયું છે.
બીજેપીના રાષ્ટ્રવાદના બેનર તળે જ અંધારુ દેખાઇ રહ્યું છે. ભાજપના સૈનિક ફોર્મમાં ‘ન જાતિવાદ, ન પ્રાંતવાદ અમારો તો રાષ્ટ્રવાદ’ જેવા સૂત્રો નિરર્થક દેખાઇ રહ્યા છે.
કારણે ભાજપના સૈનિક ફોર્મમાં એસસી/ એસટી/ ઓબીસી/ અધર જેવા વિકલ્પો સાથેનું એક ખાનું આપવામાં આવ્યું છે. જેમાં ભાજપ સૈનિક બનવા માગતા વ્યક્તિએ પોતાની જ્ઞાતિ લખવી ફરજીયાત છે. આમ નવા આવનારા કાર્યકરોના ફોર્મમાં જાતિનું કોલમ આપતા હોબાળો થાય તો નવાઇ નહીં.
ભાજપના આ ફોર્મમાં સંકલ્પ કરાવવામાં આવે છે કે, ”હું ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાનું સમર્થન કરું છું અને ગુજરાતને મહાત્મા ગાંધી, પંડિત દીનદયાલજી અને સરદાર પટેલના ચીંધેલા પ્રગતિનાપથ પર લઈ જવા માટે સંકલ્પબદ્ધ છું.” આમ ભાજપ એક તરફ રાષ્ટ્રવાદ, ગાંધીજી અને સરદારની વિચારધારાને અનુસરતા હોવાની વાતો કરે છે. બીજી તરફ જ્ઞાતિવાદને ઉત્તેજન આપે છે.