હાલમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકોના ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપના ત્રણ નિરીક્ષકો દ્વારા વિવિધ બેઠકો માટે ઉમેદવારો અંગે ભાજપના કાર્યકરો અને આગેવાનોના અભિપ્રાયો અને સૂચનો મેળવી રહ્યા છે.
આવી સ્થિતિમાં બે રાજ્યના રાજ્યપાલો જેમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાત સરકારના એક વખતના નાણામંત્રી વજુભાઇ વાળા ગુજરાતમાં આવી ગયા છે.
એક જ દિવસે બે રાજ્યપાલો એ ગુજરાતમાં ધામા નાખતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું છે, કારણકે આ બન્ને નેતાઓ ગુજરાત સરકારમાં અને ભાજપના સંગઠનમાં ખાસુ એવું પ્રભુત્વ ધરાવે છે.
આ ઉપરાંત બંને નેતાઓના સમગ્ર ગુજરાતમાં અનેક સમર્થકો છે એટલુ જ નહીં બન્ને નેતાઓને સારી એવી લોકપ્રિયતા પણ છે. એવી ચર્ચા થઈ રહી છે કે આનંદીબેન અને વજુભાઈ વાળા પોતાની વગનો ઉપયોગ કરીને પોતાના વિશ્વાસુઓને કેટલીક બેઠકો પરથી ટિકીટ અપાવી શકે છે. વજુભાઈ વાળાને સૌરાષ્ટ્ર માટે રસ છે તો આનંદીબેન પટેલને અમદાવાદ અને ગાંધીનગરમાં રસ છે. આનંદીબેન પટેલ લગભગ પાંચ દિવસ રોકાવાના છે જ્યારે વજુભાઈ વાળા કેટલા દિવસ રોકાશે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
બંને રાજ્યપાલોએ ગુજરાત માં આવ્યા બાદ મિટિંગોનો દોર શરૂ કરી દીધો છે બંને નેતાઓને મળવા માટે સમર્થકોએ પણ ધસારો શરૂ કર્યો છે આગામી દિવસોમાં આ બંને રાજ્યપાલની ગુજરાતની મુલાકાત બાદ શું અસર પડે છે તે જોવાનું પણ રસપ્રદ બનશે.