હાફ સેન્ચુરીની નજીક પહોંચેલા સ્વાઇનફ્લુના કેસની સંખ્યામાં આજે વધુ બેનો વધારો થયો છે. છાલાની યુવતી અને પાટનાકુવાની મહિલાનો એચ૧ એન૧ રિપોર્ટ પોઝીટીવ આવતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં સ્વાઇનફ્લુના નોંધાયેલા કુલ ૪૩ કેસમાંથી સાત દર્દીઓને ઇન્ડોર સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે ૩૬ દર્દીઓને રજા આપી દીધી છે.
આથી શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારની સિદ્ધી સ્ફોટક બની રહી છે. છેલ્લા પંદરેક દિવસથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્વાઇનફ્લુના કેસોની સંખ્યા વધી રહી છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં અવરનેશની કામગીરીને લઇને પ્રશ્નો ઉઠવા પામ્યા છે. જિલ્લામાં ગાંધીનગર મહાનગર પાલિકાની સરખામણી એ ગ્રામ્ય વિસ્તારમાં સ્વાઇનફ્લુ ના કેસોની સંખ્યા બમણી થઇ છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સ્વાઇનફ્લુની ગંભીરતાના મામલે નક્કર આયોજન કરાય તેવી સ્થિતિ બની રહી છે. સ્વાઇન ફ્લ ુના કેસોમાં છેલ્લા એક સપ્તાહથી બેથી વધારે કેસો નોંધાઇ રહ્યા છે. જેમાં આજે વધુ બે કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૪૩એ પહોંચી છે.
છાલાની ૨૯ વર્ષીય યુવતીની શરદી-ખાંસીની બિમારી બીજા સ્ટેજમાં પહોંચતા તેનો એચ૧ એન૧નો રિપોર્ટ કઢાવવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં યુવતીનો રિપોર્ટ પોઝીટીવ આવતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સ્વાઇનફ્લુના નિયંત્રણની સારવાર શરૂ કરી છે. જ્યારે જિલ્લાના દહેગામ તાલુકાના પાટનાકુવા ગામની ૬૫ વર્ષીય વૃદ્ધાની બિમારીના લક્ષણો સ્વાઇનફ્લુના જેવા લાગતા તેનો એચ૧ એન૧નો રિપોર્ટ કઢાવ્યો તો પોઝીટીવ આવ્યો હતો. આજે વધુ બે કેસ પોઝીટીવ મળી આવતા દર્દીઓની મકાનની આસપાસના મકાનોમાં સર્વેલન્સની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાઇ છે.