સંયુક્ત રાષ્ટ્રમાં જેશના લીડર મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા માટેના પ્રસ્તાવ પર ચીને વીટોનો ઉપયોગ કર્યા બાદ પણ તેની સામે કાર્યવાહીનો દોર શરૂ થઇ ગયો છે. હવે આતંકવાદ સામેની લડાઇને વધારે નિર્ણાયક બનાવીને ફ્રાન્સે મસુદ અઝહરની સામે નિર્ણાયક કાર્યવાહી કરી છે. તેની નાણાંકીય રીતે કમર તોડી નાંખવાના હેતુથી તેની તમામ સંપત્તિ જપ્ત કરવાનો ફ્રાન્સે નિર્ણય કર્યો છે. ફ્રાન્સની સાથે અન્ય દેશો પણ આ દિશામાં આગળ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. મસુદની તરફેણમાં વીટોનો ઉપયોગ ચીન દ્વારા કરવામાં આવ્યા બાદ તેની ચારેબાજુ ટિકા થઇ રહી હતી. જેશની સામે ફ્રાન્સની આન સૌથી મોટી કાર્યવાહી તરીકે ગણવામાં આવે છે. ફ્રાન્સ સરકારના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત નિવેદન જારી કરીન આ મુજબની વાત કરવામાં આવી છે. ફ્રાન્સે એમ પણ કહ્યુ છે કે તે મસુદને યુરોપિયન યુનિયનની ત્રાસવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવા માટે કામ કરશે. જો કે, પાકિસ્તાન પર પણ આતંકવાદી મસૂદ પર કાર્યવાહીને લઇને જોરદાર વૈશ્વિક દબાણ છે.
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી જૈશે મોહમ્મદે સ્વીકારી હતી જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પુલવામા ત્રાસવાદી હુમલા બાદ આ હુમલાની જવાબદારી સ્વીકારનાર જેશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી તરીકે જાહેર કરવાા પ્રસ્તાવ પર ચીને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં અડચણ ઉભી કર્યા બાદ વિશ્વના શક્તિશાળી દેશો ચીનના વલણને લઇને નારાજ દેખાઇ રહ્યા છે. ચીન દ્વારા વીટોનો ઉપયોગ કરીને પાકિસ્તાનની ફરી એકવાર મદદ કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ કહ્યુ છે કે અન્ય એક્શન લેવા માટે ફરજ પડી શકે છે. આ ચોથી વખત બન્યુ છે જ્યારે ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને પ્રસ્તાવને નિષ્ક્રિય કરી દેવામાં સફળતા મેળવી હતી. મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચુકાદાના થોડાક સમય પહેલા જ ચીને વીટોનો ઉપયોગ કરી પ્રસ્તાવ પર રોક લગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં પણ ચીનને આવું જ કર્યું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રમાં અઝરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો આ ચોથો પ્રસ્તાવ હતો. પુલવામા આતંકવાદી હુમલા બાદ ફ્રાંસના નેતૃત્વમાં બ્રિટન અને અમેરિકાએ મસૂદ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદનું ધ્યાન આ બાબતે આકર્ષિત કરી રહ્યું છે કે જૈશે મોહમ્મદ પર સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ મુકે પરંતુ તેના પર પ્રતિબંધ નથી લગાવી શકાતો. અઝર પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના બહાવલપુરમાં કોસર કોલોનીનો વતની છે. જાન્યુઆરી ૨૦૧૬માં પંજાબના પઠાણકોટમાં ભારતીય વાયુ સેનાના બેઝ પર જૈશના હુમલા બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ તરફથી અઝહર પર પ્રતિબંધ લગાવવાને લઇને પોતાના પ્રયાસોને વધુ તીવ્ર કર્યા હતા. આ સમયે પણ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને બ્રિટન દ્વારા ભારતને સમર્થન મળ્યું હતું પરંતુ ચીને આનો વિરોધ કર્યો હતો.