ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરે આજે ભીષણ ગોળીબાર કરતા વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આ ગોળીબારમાં ૪૯ લોકોના મોત થઇ ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે હુમલાખોરે સતત ગોળીબાર કર્યો હતો. નરસંહારના સંદર્ભમાં કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દિલધડક હત્યાકાંડ અને નરસંહારને જોનાર લોકોને થોડાક સમય માટે તો વિશ્વાસ પણ થયો ન હતો. કોઇ વ્યક્તિ આટલી હદ સુધી ક્રૂર કઈરીતે બની શકે છે તેને લઇને લોકોમાં ચર્ચા થઇ હતી. ૪૯ લોકોના મોતના ગુનેગારે પકડી પાડવામાં આવ્યો છે.
આ શખ્સે કેટલીક ચોંકાવનારી કબૂલાત પણ કરી છે. એમ પણ કહેવામાં આવ્યુ હતું કે ગોળીબારના સમય પર બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ પણ મસ્જિદમાં હતી પરંતુ ટીમના ખેલાડીઓનો સહેજમાં બચાવ થયો હતો. ટીમને સુરક્ષિત કાઢી લેવામાં સુરક્ષા દળોને સફળતા મળી હતી. સાક્ષીઓએ વિગત આપતા કહ્યુ હતું કે હુમલાખોર કાળા વસ્ત્રો પહેરીને આવ્યો હતો. સાથે સાથે માથા પર હેલમેટ પણ પહેરી રાખી હતી. તેની પાસે ઘાતક હથિયારો હતા. જેના કારણે તે ગોળીબાર કરી રહ્યો હતો. ન્યુઝીલેન્ડ પોલીસ અને સુરક્ષા દળોએ ચારેબાજુથી સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઉંડી તપાસ હાથ ધરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે હુમલાના ગાળા દરમિયાન બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં જ હતી. મસ્જિદમાં ગોળીબારની માહિતી મળતાની સાથે જ તમામ ખેલાડી બાકી લોકોની સાથે કોઇ રીતે બહાર આવી ગયા હતા. તમામ ખેલાડીઓને પાસેના પાર્કની પાસે રહેલા રસ્તાથી ઓવલ મેદાનમાં લાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડમાં છે. આવતીકાલે શનિવારથી બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે શરૂ થઇ રહી છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા ઓર્ડને આને દેશના સૌથી કાળા દિવસ તરીકે ગણાવીને તેની ટિકા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે મસ્જિદમાં અનેક જગ્યાએ ફાયરિંગ થતા હાહાકાર મચી ગયો છે. વડાપ્રધાને લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવાની સુચના આપી હતી. હુમલો કરવામાં આવ્યો ત્યારે અલ નુર મસ્જિદમાં ૨૦૦ લોકો હતા. એ વખતે જ ગોળીબારનો અવાજ આવ્યો હતો.મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હુમલાખોરો હુમલો કરતા પહેલા ફેસબુક લાઇવ કરતા તેની ચર્ચા થઇ રહી છે. તપાસ પણ કરવામાં આવે છે. જો કે રિપોર્ટ મુજબ ફેસબુકે તરત જ તેના એકાઉન્ટને બંધ કરી દઇને વધુ તપાસ માટે કહ્યુ હતુ. જો કે ન્યુઝીલેન્ડની સરકારે હજુ સુધી ફેસબુક લાઇનના અહેવાલને સમર્થન આપ્યુ નથી. ન્યુઝીલેન્ડના પોલીસ કમીશનર માઇક બુશે કહ્યુ હતુ કે તેમની પાસે પણ હજુ સુધી પૂર્ણ માહિતી આવી નથી. તેમણે કબુલાત કરી છે કે હુમલામાં અનેક લોકોના મોત થઇ ગયા છે. લોકોમાં વ્યાપક દહેશત છે. આ કોઇ ત્રાસવાદી હુમલો છે કે કેમ તે અંગે પણ હજુ સુધી પુરતી માહિતી મળી નથી. તપાસ કરવામાં આવી રહી છે. મિલિટરી સ્ટાઇલમાં વસ્ત્રો પહેરીને શખ્સ ઘુસ્યો હતો. ન્યુઝીલેન્ડમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના બની છે. ગોળીબાર બાદ બાંગ્લાદેશની સંપૂર્ણ ટીમ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આજે બપોરની નમાજ દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારની ઘટના બન્યા બાદ આસપાસની તમામ ઇમારતોને બંધ કરી દેવામાં આવી હતી. નજીકમાં બાળકોની ક્લાઇમેટ ચેંજને લઇને રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. બાળકો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરીને તંત્ર દ્વારા માતાપિતાની મદદ કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદોમાં ગોળીબારની ઘટના બન્યા બાદ ભારતમાં પણ આની ચર્ચા સવારથી રહી હતી.
કારણ કે ન્યુઝીલેન્ડમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો અને ખાસ કરીને ગુજરાતી લોકો રહે છે. જેથી લોકોમાં માહિતી મેળવી લેવાના પ્રયાસો જોવા મળ્યા હતા.ભારત સરકારે આ સંબંધમાં હજુ કોઇ માહિતી આપી નથી.