સમગ્ર દેશની કર વ્યવસ્થાને એકીકૃત કરનાર આર્થિક સુધાર જીએસટીને અમલી કરવામાં આવ્યા બાદ રાજ્યોને જંગી નુકસાનથઇ રહ્યું છે. જુલાઇ-ઓક્ટોબર ત્રિમાસિક ગાળામાં રાજ્યોને થયેલા મહેસુલી નુકસાનને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર દ્વારા ૨૪૫૦૦ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. જીએસટી વળતર હેઠળ જારી કરવામાં આવેલા ફંડમાં કર્ણાટકને સૌથી વધારે ૩૨૭૧ કરોડ રૂપિયા મળ્યા છે. ત્યારબાદ ગુજરાતને ૨૨૮૨ કરોડ અને પંજાબને ૨૦૯૮ કરોડ રૂપિયા મળ્યા છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી શિવપ્રસાદ શુક્લાએ આજે સંસદમાં આ મુજબની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જીએસટી લાગૂ થયા બાદ રાજ્યોને જુલાઈથી નવેમ્બર વચ્ચે મહેસુલી નુકસાનને ધ્યાનમાં લઇને બે મહિના માટે વળતર આપવામાં આવ્યું છે. જીએસટી હેઠળ લકઝરી વસ્તુઓને જીએસટીના સૌથી ઉંચા સ્લેબ એટલે કે ૨૮ ટકામાં રાખવાનો નિર્ણય કરાયો છે. કેટલીક વસ્તુઓ ઉપર લાગનાર સેસના રેટ જીએસટીના પહેલાના રેટ સુધી રાખવા પડશે જેથી વધારે અંતરની સ્થિતિ નથી. રાજસ્થાનને ૧૯૧૧ કરોડ, બિહારને ૧૭૪૬ કરોડ, યુપીને ૧૫૨૦ કરોડ, બંગાળને ૧૦૦૮ કરોડ અને ઓરિસ્સાને ૧૦૨૦ કરોડ મળ્યા છે.