શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક બોગસ ડોકટરને આરોગ્ય તંત્રની ટીમે દરોડો પાડીને પકડી લીધો હતો. દવાખાનામાંથી એલોપેથીક દવાઓનો જથ્થો જપ્ત કરી તે જથ્થો પોલીસને સોંપવામાં આવ્યો હતો. સમી તાલુકાના નાનીચંદુર ગામની એક સગર્ભા મહિલા સ્વાઇનફ્લુના બિમારીમાં સપડાતા તેને ધારપુર સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. અગાઉ આ મહિલાએ સમીનાં લોલાડા ગામે સારવાર લીધી હોવાની આરોગ્ય તંત્રને મહિલા સાથેની વાતચિતમાં જાણકારી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એસ. કે. મકવાણાએ તેમની ટીમને સુચના આપતા સમી શંખેશ્વર તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.નરેશભાઇ પટેલે તેમની ટીમ સાથે રવિવારે સવારે લોલાડા ગામે દરોડો કરીને ડિગ્રી વગર દવાખાનું ચલાવતા સિપુર ગામના મોતીભાઇ કનુભાઇ ચાવડાને પેક્ટીસ કરતા રંગે હાથ પકડી લીધા હતા.
રેડ દરમ્યાન તેમના દવાખાનામાં દર્દીઓ હતા. જેમાં એક દર્દીને બાટલો પણ ચડાવવામાં આવેલો હતો. આ શખસે માત્ર ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરેલો છે. અને તેણે દવાખાના આગળ ર્ડા. રામસંગભાઇનું બોર્ડ લગાવીને પેક્ટીસ કરતો હતો. તેની સામે શંખેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. તેવૂં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું. પોલીસે ફરિયાદ દાખલ કરી છે શંખેશ્વર પીઆઇએ જણાવ્યુ હતું કે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ફરિયાદ આધારે તપાસ ચાલુ કરાઇ છે.