ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં શુક્રવારનાં રોજ ગોળીબાર કરવામાં આવ્યો જેમાં ૪૯ લોકોનાં મોત થયા છે અને ૨૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક હુમલાખોરની ઓળખ ઑસ્ટ્રેલાઇ ચરમપંથી તરીકે થઇ છે. આ હુમલાખોરે હુમલાનું લાઇવસ્ટ્રીમિંગ પણ કર્યું હતુ.
બાંગ્લાદેશી ટીમ એક મસ્જિદની નજીક હતી, પરંતુ સદભાગ્યે બચી ગઇ. આ હુમલા બાદ બાંગ્લાદેશનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. કોહલીએ કહ્યું કે, ‘સ્તબ્ધ કરી દે તેવું અને પીડાદાયક. ક્રાઇસ્ટચર્ચમાં આ કાયરતાપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. બાંગ્લાદેશી ટીમ સુરક્ષિત હોય તેવી કામના.’
ન્યૂઝીલેન્ડનાં ક્રિકેટર જિમ્મી નીશામે કહ્યું કે, ‘લાંબા સમયથી અમે દુનિયામાં થઇ રહેલી ઘટનાઓને દૂરથી જોતા હતા અને અમને લાગતુ હતુ કે અમે અમારા નાનકડા ખૂણામાં અલગ છીએ અને સુરક્ષિત છીએ. આ દિવસ ભયાનક છે.’
ભારતીય ઑફ સ્પિનર આર.અશ્વિને લખ્યું કે, ‘આ દુનિયામાં કોઇપણ જગ્યા માનવતા માટે સુરક્ષિત નથી, કેમકે ધરતી પર સૌથી મોટું જોખમ માણસ છે. ન્યૂઝીલેન્ડથી હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી રહી છે. માનવતાને શું થઇ ગયું છે?’
તો હરભજનસિંહે લખ્યું કે, ‘આ ભયાનક સમાચારથી સ્તબ્ધ છું. એક વધુ આતંકી હુમલો. આપણે ક્યાં જઇ રહ્યા છીએ. આ કાયરોનો કોઈ ધર્મ નથી હોતો. દરેક પીડિત તરફ સહાનુભૂતિ.’