ગાંધીનગર સિવીલ હોસ્પિટલના જર્જરીત ઇ, એફ અને જી બ્લોકને એક સમયે અનફિટ હોવાનું જણાવીને તેમાં ચાલતા વોર્ડને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. જોકે વોર્ડને ખસેડી દીધા બાદ આ જર્જરીત બ્લોકમાં જિલ્લા ક્ષય નિવારણ કચેરી, રેકોર્ડરૂમ અને કચેરીઓ ધમધમતી હતી. જર્જરીત ઇ, એફ અને જી બ્લોકને રૂપિયા સાત કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે.
ગાંધીનગર મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ કાર્યરત થયા બાદ આઠ મજલાનું નવીન હોસ્પિટલનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. નવું બિલ્ડીંગ બનાવ્યા બાદ હોસ્પિટલમાં આવેલા જર્જરીત ઇ, એફ અને જી બ્લોકને તોડી પાડીને ત્યાં નવી બિલ્ડીંગ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જે અંતર્ગત સિવીલ હોસ્પિટલની એજન્સી દ્વારા ઇ, એફ અને જી બ્લોક અનફીટ હોવાનું સર્ટીફિકેટ આપ્યું હતું. આ સર્ટીફિકેટના આધારે જર્જરીત ત્રણ બ્લોક તોડી પાડવાના હતા. પરંતુ અગમ્યકારણ સર આ બ્લોકને તોડીને નવી બિલ્ડીંગ બનાવવાની વાત અભરાઇ ઉપર ચડાવી દેવાઇ છે. ઉપરાંત જર્જરીત અને અનફિટ ત્રણ બ્લોકમાં જિલ્લા ક્ષય નિવારણ કચેરી, હોસ્પિટલનો રેકર્ડ રૂમ અને કચેરીઓ શરૂ કરી દેવાઇ હતી.
જોકે હવેથી સિવીલ હોસ્પિટલના જર્જરીત આ ત્રણ બ્લોકને તોડી પાડવાને બદલે રૂપિયા સાતેક કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે. બ્લોકના રિનોવેશનની કામગીરી પ્રોજેક્ટ ઇમ્પ્લીમિટેશન યુનીટ દ્વારા આગામી સમયમાં શરૂ કરાશે. આ ત્રણ બ્લોક રિનોવેશન કરીને તેમાં અન્ય વોર્ડ શરૂ કરવામાં આવશે. જેને પરિણામે નવી બિલ્ડીંગની પાસે જ અન્ય વોર્ડ આવવાથી ઇન્ડોર દર્દીઓને સારવાર લેવામાં સરળતા બની રહેશે.