ભાજપના દિગ્ગજ નેતાઓ માટે સલામત ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આ લોકસભા વિસ્તારના ભાજપના આગેવાનોએ અમિત શાહ અને આનંદીબેન પટેલને ટિકિટ આપવા માટેની રજૂઆતો કરી હતી. પરંતુ છેલ્લી છ ટર્મથી ગાંધીનગર લોકસભામાં ચૂંટાઈ રહેલા ભાજપના ભીષ્મ પિતામહ એવા એલ.કે. અડવાણીને ફરીથી ચૂંટણી લડાવવા અંગે એકપણ આગેવાને રજૂઆત કરી નહોતી. જેને પગલે આ બેઠક પરથી અડવાણીની બાદબાકી નક્કી હોવાનો સંકેત મળ્યો છે.
ટિકિટ માટે શાહ અને બેન જુથ વચ્ચે લડાઈઃ ભાજપ દ્વારા છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં ઉમેદવારોના નામો અંગે ભાજપના પ્રદેશ નેતાઓ અને પ્રભારી વચ્ચેની બેઠકમાં ચર્ચા થઈ હતી. ત્યાર બાદ દરેક લોકસભા બેઠક પ્રમાણે સ્થાનિક આગેવાનોની સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ભાજપના જુના પ્રદેશ કાર્યાલયમાં આજે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર સંદર્ભે સ્થાનિક આગેવાનોની સેન્સ લેવામાં આવી હતી. ગાંધીનગર લોકસભા બેઠક પર અડવાણીના સ્થાને અમિત શાહ કે આનંદીબેનને ટિકીટ આપવા માટે રજૂઆત થઈ હતી.