ભારતના યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે એમએસ ધોનીને મહાન ગણાવતા તેની સરખામણી પોતાની સાથે ન કરવા કહ્યું હતું. પંતે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું સરખામણી વિશે વધારે વિચારી રહ્યો નથી. એક ખેલાડી તરીકે હું ધોની પાસેથી શીખવા માંગું છું. તે મહાન ખેલાડી છે. હું નથી ઇચ્છતો કે લોકો મારી સરખામણી કરે પર મારા કહેવાથી લોકો અટકવાના નથી.
પંતે કહ્યું હતું કે હું કોહલી અને ધોની પાસેથી અનુશાસન, દબાણ લેવાની રીત અને ભૂલો શીખીને પોતાના સુધારો કરી રહ્યો છું. શીખવા માટે ઘણું બધું છે અને હું સતત આ માટે પ્રયત્ન કરી રહ્યો છું.
વર્લ્ડ કપ વિશે પુછતા પંતે કહ્યું હતું કે મેં હજુ વર્લ્ડ કપ વિશે વધારે વિચાર કર્યો નથી કારણ કે અમે ભારતમાં રમી રહ્યા છીએ અને અહીંની પરિસ્થિતિઓ ઇંગ્લેન્ડની સરખામણીએ ઘણી અલગ હશે. ગત સપ્તાહે અમે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી રમ્યા હતા. હવે આઈપીએલ શરુ થવાનો છે. અમે નિયમિત ક્રિકેટ રમી રહ્યા છીએ. જ્યારે ઇંગ્લેન્ડમાં જઈશ ત્યારે તે વિશે વાત કરીશ.