પોશીના તાલુકાના દેડકા ગામે ત્રણ વર્ષ અગાઉ પિતા પાસેથી જમીનો ભાગ લેવા બાબતે પુત્રએ આવેશમાં આવી જઈ ઉશ્કેરાઈ જઈ પોતાના પિતા પર તિક્ષ્ણ હથીયારથી હુમલો કરી મરણતોલ ઈજા પહોચાડતા તેમનુ મોત નિપજ્યુ હતુ તથા પોતાના ભાઈઓને પણ મારમારી ઘાયલ કર્યા હતા.
જે અંગેની ફરીયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ પોલીસે આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરી ઈડરની એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં રજુ કર્યા બાદ આ કેસનો શુક્રવારે ચુકાદો આવતા તેમાં ન્યાયાધીશે પુરાવા અને દલિલોને સાંભળ્યા બાદ પિતાની ઘાતકી હત્યા કરનાર પુત્રને આજીવન કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો.
પોશીના તાલુકાના દેડકા ગામે રહેતા હાંસાભાઈ હોનાભાઈ પરમારની મિલ્કત માંથી તેમણે અગાઉ ત્રણ દિકરાઓને જમીનનો ભાગ આપ્યો હતો જોકે ચોથાભાગની જમીન હાંસાભાઈએ પોતાની પાસે રાખી હતી. દરમિયાન વર્ષ ૨૦૧૬ની તા.૫ જુલાઈના રોજ તેમની દિકરી અમીયાબેનના લગ્નની જાન કેળવાકુવા ગામેથી આવ્યા બાદ સમાજના રીતરીવાજ મુજબ જાન વળાવી તેઓ પોતાના ઘરે પરિવારજનો સાથે જઈ રહ્યા હતા.
દરમિયાન તેમના પુત્ર પ્રભુભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈ પિતા હાંસાભાઈ સાથે ઝગડો કરી માન મર્યાદા રાખ્યા વિના તુ મને જમીન કેમ આપતો નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈ પ્રભુભાઈએ તેમના પિતા હાંસાભાઈ પર છરી વડે છાતીમાં તેમજ હાથ પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડતા તેમનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.
જોકે ઉશ્કેરાયેલા પ્રભુભાઈએ ઝગડો કરતા પિતાને છોડાવવા માટે વચ્ચે પડેલા ગોવિંદભાઈ અને નાગજીભાઈને પણ છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી જેથી બંનેને સારવાર માટે ખસેડાયા હતા.
બીજી તરફ કુપુત્રએ પિતા તેમજ ભાઈઓ પર હુમલો કરતા તે અંગે સ્થાનિક પોલીસને ખબર પડતા પોલીસે ઘટના સ્થળે જઈ પ્રભુભાઈ પરમારની ધરપકડ કરી લીધી હતી અને તેમની વિરૃધ્ધ ફરીયાદ નોધવામાં આવી હતી ત્યારબાદ પોલીસે તપાસ પૂર્ણ કરીને તેની ચાર્જશીટ ઈડરની એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટના ન્યાયાધીશ કે.એ.પઠાણની કોર્ટમાં રજુ કરી હતી.
જે અંગેનો કેસ શુક્રવારે કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પ્રણવ સોની ધ્વારા રજુ કરાયેલા પુરાવા તથા તાર્કીક દલીલો સાંભળ્યા બાદ પ્રભુભાઈ પરમારને ઈપીકો કલમ ૩૦૨ અને ૩૦૭ના ગુનામાઆજીવન કેદની સજા ફટકારી હતી તથા રૃા.૫ હજારનો દંડ ભરવા પણ હુકમ કર્યો હતો અને જો દંડ ન ભરેતો જીપીએક્ટ કલમ ૧૩૫ માં કસુરવાર ઠરાવી વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો છે.