ભાજપની આંતરિક જુથબંધી વધુ વણસે નહીં તે માટે ટીકિટની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં

774

સરકારમાં ગુજરાત મોડલની ચર્ચા થયા પછી ગુજરાત મોડલમાં ટીકીટ વહેંચણી વખતે આંતરિક સ્પર્ધા પાર્ટીની ઇમેજ ન બગાડે તેટલા માટે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારોને ટીકીટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કમાન સંભાળી હોવાનું સુત્રોનું કહેવું છે. જે રીતે લોકસભાની ચૂંટણીમાં ટીકીટ અપાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે વર્ચસ્વની લડાઇ હાથ ધરાઇ ગઇ છે,

આવા સંજોગોમાં ગત વિધાનસભાની ચૂંટણી વખતે જે ટીકીટ વહેંચણીમાં કુસંપ બહાર આવતા પાર્ટીની ઇમેજ ખરડાઇ હતી,આવી સ્થિતિ આ વખતે ન થાય તેટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ગુજરાતની ટીકીટ માટે નિર્ણાયક રહેશે તેમ સુત્રોનું કહેવું છે.

ગુજરાત કરતા અન્ય રાજયોમાં સ્થિતિ ઊંધી છે, ત્યા સ્થાનિક નેતાઓને ટેકેદારોને તેમના કદ પ્રમાણે ટીકીટ મેળવવા માટે સમર્થકોની માગ પર પ્રભાવ પાડી શકે છે,પણ, ગુજરાતમાં ખાસ કરીને વર્ષ ૨૦૧૨ પછી અમિત શાહ અને આનંદીબેન પટેલ જુથ વચ્ચે જે વર્ચસ્વની લડાઇ પરાકાષ્ઠાએ પહોંચતા પાર્ટીની ઇમેજ ખરડાઇ છે. તાજેતરમાં જ,અમદાવાદ એપીએમ સી પછી અગાઉ વિધાનસભાની વર્ષ ૨૦૧૭ની ચૂંટણી. આ બંને તાજેતરની ઘટના છે. જો કે, આ બંને નેતાઓ એકબીજાના સમર્થકોનું પ્રભુત્વ ઘટાડવા માટે હંમેશા તલપાપડ હોવાથી લોકસભા ની ચૂંટણીમાં પણ આવી લડાઇ શરૂ થઇ જતા ગુજરાતમાં ઉમેદવારો નક્કી કરવા માટે વડાપ્રધાન મોદીએ જ કમાન સંભાળી છે.

કોઇપણ સ્થાનિક નેતાની ભલામણને ધ્યાનમાં લીધા ટીકીટ આપવાનો નિર્ણય વડાપ્રધાન મોદી જ કરશે તેમ ટોચના સુત્રોનું કહેવું છે.

લોકસભાની ચૂંટણી  માટે ગુજરાતમાં  ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ભાજપ-કોંગ્રેસ દ્વારા હાથ ધરાઇ છે ત્યારે ઉમેદવાર તરીકે નક્કી થવા માટે અત્યારે સૌથી વધારે મહત્વની જાતિને રાજકીય પાર્ટીઓ વધારે મહત્વ આપે છે. રાજકીય પાર્ટીઓ ભલે એવું જાહેર કરે કે, અમે નાત-જાતના ભેદભાવ મિટાવવા માગીએ છીએ, પણ ગુજરાતની છ બેઠકો એવી છે કે, જયાં ઉમેદવારો ભલે નક્કી ન હોય પણ કઇ જાતિનો ઉમેદવાર આવશે તે નક્કી છે.

પછી, કોંગ્રેસ નક્કી કરે કે, ભાજપ. તેમણે ફરજીયાત આ જાતિનો જ ઉમેદવાર આપવો પડે તેવી સ્થિતિ છે. જો કે, ભાજપ પાસે ૪ બેઠકો એવી પણ છે કે, જ્યાં જાતિ કરતા પાર્ટી જે નક્કી કરેે તે જ ઉમેદવાર હોય છે, પછી ભલે તે કોઇપણ સમાજના હોય.

પાટીદારઃ પોરબંદર અને અમરેલી બેઠક એવી છે કે,જયાં જાતિગત સમિકરણમાં સૌથી વધારે પટેલ છે અને પટેલ ઉમેદવાર જ નક્કી થાય છે. અત્યારે પણ બંને પાર્ટીની પેનલમાં પટેલ ઉમેદવારના જ નામ  છે.

કોળીઃ ભાવનગર અને સુરેન્દ્રનગરની બેઠક એવી છે કે, પટેલ અને ક્ષત્રિય સમાજ ઓછો હોવા છતાં પ્રભાવી છે, આમ છતાં બંને પાર્ટીની મજબુરી એવી છે કે, ત્યાં કોળી ઉમેદવાર જ પસંદ કરવો પડે છે. ક્ષત્રિયઃ સાબરકાંઠા બેઠક એવી છે કે, જયાં સૌથી વધારે મતદાર ક્ષત્રિય સમાજના છે. આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારને જ ટીકીટ આપવી પડે છે. પંચમહાલમાં પણ ક્ષત્રિયોની સંખ્યા વધારે છે, પણ ત્યાં સ્થિતિ અલગ છે.

બિન ગુજરાતીઃ મહાષ્ટ્રમાં ‘ગુજરાતી’ઓની સીટ છે તે જ રીતે ગુજરાતમાં પણ બિનગુજરાતીની બેઠક છે. નવસારીની બેઠક એવી છે કે, જયાં ફરજીયાત બંને પાર્ટીઓને મરાઠી ઉમેદવાર પસંદ કરવો પડે છે. રાજયમાં ચાર બેઠકો એવી છે કે, જયાં જાતિ નહીં, પણ પક્ષનું પ્રભુત્વ છે. અમદાવાદ પૂર્વ, વડોદરા, સુરત અને ગાંધીનગર. આ ચાર બેઠકો એવી છે કે, જયાં જાતિ નહીં, પક્ષના આધારે ઉમેદવાર ચૂટાય છે.

Previous articleબે કાર વચ્ચે અકસ્માત, લખતર તાલુકા ભાજપ પ્રમુખનું મોત, પાંચ ઘાયલ
Next articleપિતાની હત્યા કરનાર કળીયુગી પુત્રને આજીવન કેદ