વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ ૧૫ દિવસના ગાળામાં સ્થાનિક માર્કેટ મૂડીમાં ૨૦૪૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. માર્ચ મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો ભારે આશાસ્પદ દેખાયા છે. રેટને યથાવતસ્થિતિમાં રાખવાના અમેરિકી ફેડરલના નિર્ણયની સાથે સાથે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર કરારથી હકારાત્મક માહોલ સર્જાઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં જ વિદેશી રોકણકારોએ ઇક્વિટી અને સાથે સાથે ડેબ્ટ માર્કેટમાં ૧૧૧૮૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૧૭૯૧૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૨૪૯૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. પહેલીથી ૧૫મી માર્ચ વચ્ચેના ગાળામાં આ જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આ આંકડાને સાથે જોવામાં આવે તો સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન દેશના મૂડી માર્કેટમાં ૨૦૪૧૮ કરોડ રૂપિયાનું કુલ રોકાણ કરવામાં આવ્યું છે. અમેરિકામાં વ્યાજદરમાં હાલ કોઇ વધારો નહીં કરવાના સંકેત મળી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ભારતમાં લોકસભા માટેની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ જુદા જુદા સર્વેમાં એનડીએની વાપસીના સંકેત મળી રહ્યા છે ત્યારે એફપીઆઈ રોકાણકારો દેશમાં રોકાણ કરવા વધારે આશાવાદી દેખાઈ રહ્યા છે. કેટલાક સ્થાનિક પરિબળો પણ ચિંતા ઉપજાવે તેવા રહ્યા છે પરંતુ એકંદરે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ માહોલમાં સુધારો થઇ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ રોકાણકારો ફરીવાર નાણાં રોકવા માટે આગળ આવશે. અન્ય જે પરિબળો વિદેશી મૂડીરોકાણકારોને હાલમાં પરેશાન કરે છે તેમાં ક્રૂડની કિંમતોમાં સતત ફેરફાર, કરન્સીમાં ઉતારચઢાવ અને માઈક્રો ઇકોનોમિક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. ગ્લોબલ ટ્રેડ વોરને લઇને પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જોવા મળી રહી છે. આ તમામ પ્રકારના પરિબળો એફડીઆઈ પ્રવાહની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. એફપીઆઈ રોકાણકારો હાલ કેપિટલ માર્કેટ ઉપર વિશેષરીતે ધ્યાન આપી રહ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની સ્થિતિને લઈને પણ કારોબારીઓ ચિંતાતૂર દેખાઈ રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરી રહેલું આર્થિક વ્યવસ્થા તરીકે છે. ભારત દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થામાંથી એક છે. ચૂંટણી સુધી રોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવે તેમ માનવામાં આવે છે.
વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૩.૮૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી.