રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારે દાવો કર્યો છે કે, ૨૦૨૫ બાદ પાકિસ્તાન ભારતનો જ એક ભાગ બની જશે. આ વાત તેમણે મુંબઇમાં આયોજીત કાશ્મીર-વે અહેડ કાર્યક્રમમાં જણાવી હતી. તેમણે જણાવ્યું હતુ કે, તમે લેખિતમાં આ વાત લઇ લો. ૫-૭ વર્ષ બાદ તમે કયાંક કરાંચી, લાહોર, રાવલપિંડી, સિયાલકોટમાં મકાન ખરીદશો અને તમને ત્યાં બિઝનેસ કરવાની તક મળશે. ઇન્દ્રેશ કુમારે જણાવ્યું હતું કે, ૧૯૪૭ પહેલા પાકિસ્તાન ન હતું. લોકો જણાવે છે કે ૧૯૪૫ પહેલા પાકિસ્તાન પણ ભારતનો ભાગ હતો. ૨૦૨૫ બાદ ફરીથી તે ભારતનો ભાગ હશે. તેમણે અખંડ ભારતની વાત કરતા જણાવ્યું હતું કે, ભારતની સહરદો પણ યુરોપીયન સંધની જેવી હશે. દિલ્હીએ આ વાતની સ્પષ્ટતા કરી દીધી છે અને બાંગ્લાદેશ સરકાર પણ તેના માટે તૈયાર છે.
તેમણે જણાવ્યું હતું કે, હવે રાજકીય ઇચ્છાશક્તિમાં ફેરફાર આવ્યા છે, તેથી આપણે સ્વપ્ન જોઇ રહ્યા છે કે લાહોર જઇ બેસીશું અને કૈલાશ માનસરોવર માટે ચીનની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. ઢાકામાં આપણે જ સરકાર બનાવી છે. આવામાં ભારત યુરોપીયન યુનિયનની જેમ ભારત યુનિયન ઓફ અખંડ ભારતના માર્ગે જઇ શકે છે. તેમણે પુલવામા હુમલાની વાત કરતા જણાવ્યું હતું કે, આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીના પગલાથી વિપક્ષ પણ પરેશાન છે.