ઈન્ડોનેશિયાના પૂર્વ પાપુઆ પ્રાંતમાં રવિવારે ભયાવહ પૂરે વિનાશ વેર્યો હતો. અચાનક આવેલા પૂરમાં ૫૦ જેટલા લોકોના મોત નીપજ્યા હોવાનું જણાયું છે. મૃત્યુઆંક વધે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. બચાવ અને રાહત ટુકડી વધુ પીડિતોની મદદ કરવામાં લાગી ગઈ છે.
મુખ્ય મથક જયાપુરા પાસે આવેલા સેન્તાની ખાતે એકાએક પૂરની સ્થિતિ સર્જાતા અફરાતફરી મચી હતી. શનિવારે ભૂસ્ખલન તેમજ ભારે વરસાદને પગલે પૂરની આફત આવી હતી જેમાં ૫૯ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પૂરના પાણીમાં સંખ્યાબંધ ઘરો ધ્વસ્ત થઈ ગયા હોવાનું રાષ્ટ્રીય વિપત્તી સંસ્થાના પ્રવક્તા સુતોપો પુર્વો નુઘરોએ જણાવ્યું હતું.
નુઘરોએ વધુમાં કહ્યું કે, ‘બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને મરણાંક વધે તેવી સંભાવના છે. ભૂસ્ખલનને પગલે પૂરની આફત સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પૂરના પાણી ઓસરી ગયા છે પરંતુ લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.’
પૂરને પગલે સંખ્યાબંધ ઝાડ તૂટી પડ્યા છે તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હોવાથી અને ઠેરઠેર કીચડનો ભરાવો થતા બચાવ તેમજ રાહત કામગીરીમાં અડચણ આવી રહી હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું. એક વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે ઝાડ નીચે દબાયેલા શખ્સને બચાવ અધિકારીઓ ઓક્સિજન આપીને રેસ્ક્યૂ કરી રહ્યા હતા.
પૂરને પગલે ઠેર ઠેર ગંદગીનું સામ્રાજ્ય જોવા મળે છે. તૂટેલા ઝાડ અને અન્ય કચરો પણ પાણીમાં તણાઈને રસ્તા પર આવી ગયો છે. જયાપુરાના એરપોર્ટ પર એક પ્રોપેલર પ્લેન રનવે પર અડધૂ તૂટી પડ્યું હતું. પાપુઆ અને સ્વતંત્ર પાપુઆ ન્યુ ગિનીની સરહદ જોડાયેલી છે. પાપુઆ ન્યુ ગિની ઓસ્ટ્રેલિયાના ઉત્તરે આવેલું છે.