ગોવાના મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકરનું આજે લાંબી માંદગી બાદ અવસાન થતાં ભાજપમા અને તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ૬૩ વર્ષીય મનોહર પારીકર લાંબા સમયથી કેન્સરથી ગંભીર સંઘર્ષ કરી રહ્યા હતા. શનિવારે સાંજે ગોવાના વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ કહ્યું હતું કે, તેમના સ્વસ્થ થવાના સંકેત બિલકુલ પણ દેખાઈ રહ્યા નથી. તેમની તબિયત ગઇકાલથી સતત ખરાબ થઇ રહી હતી. તબીબો તેમને બચાવવાના તમામ પ્રયાસ કરી રહ્યા હતા. થોડાક દિવસ પહેલા જ તેમને લોહીની ઉલ્ટીઓ પણ થઇ હતી. ફેબ્રુઆરી ૨૦૧૮માં જ મનોહર પારીકરને પેનક્રિયાટીક કેન્સર હોવાની જાણ થઇ હતી. તેઓ ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યુયોર્કની હોસ્પિટલમાં સારવાર લઇ ચુક્યા હતા. જે દિવસોમાં તેઓ ગંભીર બિમાર હતા ત્યારે પણ રાજ્યની વિધાનસભામાં ૨૦૧૯-૨૦નું બજેટ કરવા માટે પહોંચ્યા હતા. તે ગાળા દરમિયાન તેઓએ ખુબ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, તેઓ જોશમાં છે અને હોશમાં પણ છે. જો કે, કેન્સર જેવી બિમારી સામે જોરદાર સંઘર્ષ કર્યા બાદ તેમનું આજે અવસાન થયું હતું.
મનોહર પારીકર અંગે કેટલીક બાબતો જાણીતી રહી છે. જૂન ૧૯૯૧માં મનોહર પારીકરે રાજનીતિમાં એન્ટ્રી કરીને નોર્થ ગોવા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. ચાર સભ્યો સાથે ગોવા વિધાનસભામાં નવેમ્બર ૧૯૯૪માં ભાજપે એન્ટ્રી કરી હતી. મનોહર પારીકર નંબર ૧૩ને લઇને હંમેશા શુભ ગણતા હતા. તેમના વાહનના નંબરમાં પણ ૧૩ ઉમેરતા હતા જ્યારે તેઓ ઓફિસમાં હતા ત્યારે વાહન નંબર ૧૩૧૩ રાખવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૦માં મુખ્યમંત્રી પદ સંભાળતા પહેલા જ તેમના પત્નીનું પણ કેન્સરના કારણે નિધન થયું હતું. ગોવામાં મુખ્યમંત્રી તરીકે લાંબા ગાળા સુધી તેઓએ સેવા આપી હતી. નવેમ્બર ૨૦૧૪માં ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. ૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે જ્યારે ઉરીમાં ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરીને ૧૯ જવાનોને મોતને ઘાટ ઉતારી દધા ત્યારે મનોહર પારીકર દેશના સંરક્ષણ મંત્રી તરીકે હતા. ત્યારબાદ ભારતે પ્રથમ વખત એલઓસી પાર કરીને ત્રાસવાદી કેમ્પોને સર્જિકલ હુમલાથી ફુંકી માર્યા હતા. માર્ચ ૨૦૧૭માં ગોવામાં જ્યારે જરૂર પડી ત્યારે તેઓએ સંરક્ષણ મંત્રી તરીકે રાજીનામુ આપીને ચોથી વખત ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. અનેક હોદ્દા ઉપર તેઓ સક્રિય રહ્યા હતા. જાન્યુઆરી ૨૦૧૩માં જ્યારે મોદીને લઇને વિરોધ થઇ રહ્યો હતો ત્યારે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની ઉમેદવારીને ખુલ્લીરીતે ટેકો આપનાર તેઓ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. પણજીમાં જ્યારે ભાજપે રાષ્ટ્રીય કારોબારી યોજી ત્યારે મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના વડા પણ બનાવવામાં આવ્યા હતા. મનોહર પારીકર સૌથી વિશ્વસનીય નેતાઓ પૈકીના એક તરીકે રહ્યા હતા.