ખનીજ ચોરીના કેસમાં ૨ વર્ષ અને ૯ મહિનાની સજા પામેલા તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડના સમર્થનમાં આજે વેરાવળમાં આહિર સમાજનું શક્તિ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતભરના આહિર સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. તો, સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, અમરીશ ડેર, જન અધિકાર મંચના કન્વીનર પ્રવિણ રામ અને ભગવાન બારડ ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનમાં એકઠા થયેલા આહિર સમાજે હુંકાર કર્યો હતો કે, જો ભગવાન બારડનું સસ્પેનશન પાછું નહિ ખેંચાય તો ૨૦૧૯માં કોઈ ભાજપને વોટ નહિં આપે. આહીરસમાજે ભાજપ સરકાર અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને રાજકીય અદાવત અને કિન્નાખોરીનો ભોગ બનાવાયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને તેની સામે સખત નારાજગી અને વિરોધ વ્યકત કર્યા હતા. સાથે સાથે આગામી લોકસભા ચૂંટણીમાં સાત જેટલી બેઠકોના સમીકરણો બદલાવી નાંખવાની ચીમકી ઉચ્ચારી હતી. આહીર સમાજનાં અગ્રણી હીરાભાઈ જોટવાનાં જણાવ્યા પ્રમાણે, વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા સુત્રાપાડાના કેસમાં ભગવાનભાઇને થયેલી સજા ઉપર સ્ટે આપેલ હોવા છતાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સરકારના આ કિન્નાખોરી ભર્યા પગલાંથી સમસ્ત ગુજરાત સૌરાષ્ટ્ર કરછ વિસ્તારમાં રહેતા આહીર સમાજમાં ઘેર પ્રત્યાઘાત પડ્યાં છે. ભગવાનભાઇ બારડને સરકાર દ્વારા ન્યાય નહીં આપવામાં આવે તો સમસ્ત આહીર સમાજ તેમની તાકાતનો પરચો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બતાવશે તેમ જણાવ્યું હતું. દરમ્યાન ભગાભાઇ બારડે જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ ભાજપ સરકારના ઇશારે કામ કરી રહ્યા છે. પણ મારે ડરવાની કોઇ જરૂર નથી કારણ કે, મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. ગુજરાત આહિર સમાજનાં ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરીયાનાં અધ્યક્ષપદે યોજાનાર શક્તિ સંમેલનમાં જામનગર, દેવ ભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાના આહીર સમાજના લોકો મોટી સંખ્યાંમાં જોડાયા હતા અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. જેની તૈયારી રૂપે જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લાના ૧૫૦થી વધુ આહીર સમાજના ગામડાઓમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ભગાભાઇ બારડના સસ્પેન્શનનો મામલો વધુ ગરમાય એવી પૂરી શકયતા છે.