રાજયમાં મોંઘા બની રહેલા શિક્ષણ તથા મોંઘા ટ્યુશન ક્લાસમાં બાળકોને ભણાવવા મધ્યમ વર્ગનાં વાલીઓ માટે પણ કમરતોડ ભાર બની રહ્યુ છે. ત્યારે મજુરી કરી પરીવારનું ગુજરાત ચલાવતા વર્ગનાં બાળકો માટે તો ટ્યુશન શબ્દ જ સાંભળવા પુરતો હોય છે.
જયારે સરકારી શાળાઓમાં જે શિક્ષણ મળે છે તે પુરતુ હોતુ નથી. ત્યારે સચિવાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હસુમતીબેને ગરીબ પરીવારનાં બાળકોની આ સ્થિતી જોઇને સમયનું દાન કરવાનો નિર્ધાર કર્યો, સાંજે ૬થી ૮ મફતમાં ટ્યુશન આપવાનું શરૂ કર્યુ. ઝુપડપટ્ટી વિસ્તારમાં ચાલતા આ વિદ્યાદાનમાં ૬૦ જેટલા બાળકો ભણી રહ્યા છે.
નવા સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપતા સેકટર ૩નાં રહેવાસી હસુમતીબેન એસ ધમેરીયન રોજ સાંજે નોકરી પરથી છુટ્ટીને ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોચી જાય છે. જયાં શ્રમજીવી પરીવારનાં બાળકો પણ બેનની રાહ જોતા ઇસ્ત્રી વગરનાં પણ ધોયેલા સ્વચ્છ કપડામાં દફતર લઇને તૈયાર જ હોય છે. ઝુપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જ પાસેનાં છાપરામાંથી માંગેલી લાઇટનાં અંજવાળે શિક્ષણ કાર્ય શરૂ થાય છે.
જેમાં ૪૦ જેટલી બાળાઓ તથા ૨૦ જેટલા છાત્રો ભણી રહ્યા છે. જેમાં દરેક જ્ઞાતિનાં બાળકો ભણી રહ્યા છે. હસુમતીબેન સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે દોઢેક વર્ષ પહેલા રીક્ષા ચલાવતા પ્રભુભાઇએ છાપરાના ગરીબ બાળકોને ભણાવવાનું કહ્યું હતું.