વિશ્વ કુસ્તીના ટોચના એકમએ ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની યજમાની છીનવી લીધી છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. આ જ કારણસર દિલ્હીમાં યોજાયેલા શૂટિંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના શૂટર્સને ભારતે વિઝા આપ્યા નહોતા. જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની યજમાની માટે ભારત તૈયાર હતું, કારણ કે મૂળ યજમાન લેબેનોને યજમાની કરવાનો ઇનકાર કરી દીધો હતો. ડબ્લ્યુએફઆઈના અધ્યક્ષ બ્રજભૂષણ શરણસિંહે જણાવ્યું, ”અમે આ ચેમ્પિયનશિપ માટે બોલી નહોતી લગાવી. મને પૂછવામાં આવ્યું હતું કે લેબેનોનના હટી જવાથી શું ભારત આ ચેમ્પિયનશિપની યજમાની કરી શકે છે? ત્યારે મેં કહ્યું હતું કે અમે આના માટે તૈયાર છીએ. વિઝા માટે ભારતમાં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ ચર્ચા થઈ શકશે, કારણ કે બધા ચૂંટણીઓમાં વ્યસ્ત છે.”
જોકે ડબ્લ્યુએફઆઈએ સરકાર પાસેથી વિઝાની ગેરન્ટી માગીને ચેમ્પિયનશિપ યોજવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રમત મંત્રાલય જવાબ આપે એ પહેલાં જ યુડબ્લ્યુડબ્લ્યુએ આ ચેમ્પિયનશિપને અન્ય દેશમાં ખસેડવાનો નિર્ણય કરીને થાઇલેન્ડને આ ચેમ્પિયનશિપની યજમાની સોંપી દીધી છે. જ્યારે ડબ્લ્યુએફઆઈ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું, ”યુડબ્લ્યુડબ્લ્યુએ કહ્યું છે કે જુનિયર એશિયન ચેમ્પિયનશિપ હવે ભારતમાં નહીં યોજાય.